વિદેશથી આવનારા લોકો વિશે ખોટી પોસ્ટ મૂકશો તો સંકટમાં આવી જશો

અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 21 : સરકાર, પ્રશાસન અને પોલીસ તરફથી વારંવાર ચેતવણી અપાઈ રહી છે કે કોરોના અંગે ફેક-ખોટા-બનાવટી સમાચાર કે અફવા ફેલાવતી પોસ્ટ મૂકશો તો તમારી સામે કાયદેસર કાર્યવાહી કરાશે. આમ છતાં લોકો હકીકતની ચકાસણી કર્યા વિના `પોસ્ટ' મૂકીને આફતને આમંત્રણ આપે છે. કાંદિવલી પશ્ચિમની ઈરાનીવાડીમાં રહેતા અને ત્યાં જ બ્યૂટી પાર્લર ચલાવતા બહેનને કોરોના થયો છે એવા મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યાં. આની જાણ થતાં મહિલાએ પોલીસમાં એનસી લખાવી હતી. મહિલાએ વૉટસઍપ્સ મેસેજ પણ મૂક્યો હતો કે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જો કોઈ મારા વિશે અપપ્રચાર કે અફવા ફેલાવશે તો તેની વિરુદ્ધ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરાશે.
હકીકતમાં આ મહિલા 16 તારીખે દુબઈથી બિઝનેસ ટૂર પતાવીને મુંબઈ પાછી આવી. તેમણે તરત જ પોતાને `સેલ્ફ આઈસોલેશન'માં મૂકી દીધી. જોકે, તેમની વિરુદ્ધ અૉનલાઈન અફવા ફેલાવવામાં આવતા તેમણે ગુરુવારે આર્થર રોડની કસ્તૂરબા હૉસ્પિટલમાં ટેસ્ટ પણ કરાવ્યો. ગઈકાલે આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. પ્રોપર્ટીનું કામકાજ કરતા તેમના પતિએ આ સંવાદદાતાને કહ્યું કે અમે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. ખોટો મેસેજ કરનાર અમારી લોકાલિટીમાં રહે છે. એના આખા કુટુંબે માફી માગતા અમે તેની સામે વધુ એકશન લીધાં નહીં. આવો જ કિસ્સો ચેમ્બુરના સુભાષનગરમાં બન્યો છે. એક યુવાન દુબઈથી આવ્યો કે તેની વિરુદ્ધ ખોટો અૉનલાઈન પ્રચાર પણ શરૂ થઈ ગયો. હકીકતમાં આ યુવકનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
આથી `જન્મભૂમિ' વાચકોને વિનંતિ કરે છે કે ફોરેનથી આવનાર વ્યક્તિને કોરોના થયો છે એવી પોસ્ટ ફોરવર્ડ ન કરો. આમ કરવાથી મુશ્કેલીમાં આવી જશો. પોલીસે નાશિકમાં ફેક મેસેજ ફેલાવનાર ત્રણ જણ સામે ગુનો નોંધ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer