ગુજરાત કોરોનાના ભરડામાં : 13 કેસ પોઝિટિવ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,તા. 21 : ગુજરાત કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે. કોરોના વાયરસનો પગપેસારો વિદેશથી આવતા મુસાફરો મારફતે ગુજરાતમાં થતાં જ ગઇકાલના 7 કેસમાં આજે વધુ 6 કેસ ઉમેરાતાં કુલ 13 વ્યાકિતઓના પોટિઝિવ રિપોર્ટ આવ્યાં છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 4, અમદાવાદ ગ્રામ્યમાં 1, વડોદરા મહાનગરપાલિકામાં 3, સુરત મહાનગરપાલિકામાં 3, રાજકોટ મહાનગરપાલિકામાં 1 અને ગાંધીનગર મહાનગરપાલિકામાં 1 કેસ નોંધાયા છે. આ તમામ વ્યક્તિની સરકારી હૉસ્પિટલોમાં સઘન સારવાર શરૂ કરવા સાથે એમના પરિવારજનોને તાબડતોબ કોરન્ટાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. સાથોસાથ આ તમામ કોરોનાગ્રસ્ત વ્યકિતઓની ટ્રાવેલ હિસ્ટ્રી તથા તેમના સંપર્કમાં આવેલા લોકોની વિગતો મેળવી એ તમામની શોધખોળ કરી તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. 
રાજ્યના આરોગ્ય વિભાગે સત્તાવાર જણાવ્યું છે કે, રાજ્યમાં ગઇકાલ સુધી સાત કેસ કોરોના પોઝિટિવના નોંધાયા હતા. આજરોજ વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13ની થઇ છે. અમદાવાદમાં 24 કલાકમાં જ 3 કેસ વધીને 6કેસ સુધી પહોંચ્યો છે. એવી જ રીતે વડોદરામાં 1 કેસનો વધારો થતા 3 કેસ થયા છે જ્યારે સૌથી ચોકાવનારો આંકડો સુરતનો રહ્યો છે. સુરતમાં ગઇકાલ સુધી માત્ર 1 કેસ હતો તેમાં એકાએક વધારો થતા આજે 3 કેસ થઇ ગયા છે. જ્યારે આશ્ચર્યજનક રીતે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જો કે રાજકોટમાં યથાવત 1 કેસ જ રહ્યો છે. આ તમામ વ્યક્તિઓ દુબઇ, અમેરિકા, શ્રીલંકા, દિલ્હી અને જયપુરનો પ્રવાસ કરીને ગુજરાત આવ્યા હતા. 
દરમિયાન ગુજરાત સરકારે રાજ્યમાં હાલ કાર્યરત બી.જે.મેડિકલ કોલેજ, અમદાવાદ અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર ઉપરાંત સુરત મેડિકલ કૉલેજ અને  ભાવનગર મેડિકલ કૉલેજ ખાતે કોરોના વાયરસ લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ બનાવી છે જેથી હવે રાજ્યમાં કુલ 4 જગ્યાએ કોરોના વાયરસનો ટેસ્ટ થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 189 શંકાસ્પદ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સેમ્પલ પરિક્ષણઅર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી 13 પોઝિટિવ અને 148 નેગેટીવ આવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer