ટ્રમ્પની મુલાકાત માટે ખર્ચ : કૉંગ્રેસે ઉઠાવ્યો સવાલ, પક્ષ પ્રવક્તા સિંઘવીનો અલગ સૂર

ટ્રમ્પની મુલાકાત માટે ખર્ચ : કૉંગ્રેસે ઉઠાવ્યો સવાલ, પક્ષ પ્રવક્તા સિંઘવીનો અલગ સૂર
ભારતનું કદ વધી રહ્યું છે તો કૉંગ્રેસ શા માટે ખુશ નથી : ભાજપ
નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આવવા પહેલાં રાજકારણ ગરમ થયું છે. કોંગ્રેસે ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં એક સમિતિ દ્વારા 100 કરોડ રૂપિયાના ખર્ચ સામે સવાલ ઉઠાવ્યો હતો તો ભાજપે પલટવાર કરતાં કહ્યું કે ભારતનું કદ વધી રહ્યું છે તો કોંગ્રેસ શા માટે ખુશ નથી.
જોકે, કોંગ્રેસની અંદરથી જ એક અલગ અવાજ પણ ઊઠયો હતો. પક્ષના પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ ટ્રમ્પની યાત્રાનું સમર્થન કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનો વિરોધ ન કરવો જોઈએ. તેઓ બે દિવસની ભારત યાત્રાએ આવી રહ્યા છે. તેનાથી ભારતે કંઈક સારું થવાની આશા કરવી જોઈએ. આમ સવાલો ખડા ન કરવા જોઈએ.
કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ એક ટ્વીટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન ઉપર 100 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે પરંતુ આ ખર્ચ એક સમિતિના માધ્યમથી થઈ રહ્યો છે. સમિતિના સભ્યોને ખબર જ નથી કે તેઓ તેના સભ્ય છે. શું દેશને એ જાણવાનો હક નથી કે કયા મંત્રાલયે સમિતિને કેટલા રૂપિયા આપ્યા? સમિતિની આડમાં સરકાર શું છીપાવી રહી છે?
કોંગ્રેસના સવાલો પર પલટવાર કરતાં ભાજપના પ્રવક્તાએ કહ્યું કે વૈશ્વિક સ્તર પર ભારતનું કદ વધવાથી કોંગ્રેસ નાખુશ શા માટે છે? ભારત અને અમેરિકાના સંબંધોમાં આ યાત્રા સીમાચિહ્ન રૂપ છે અને મારી કોંગ્રેસને વિનંતી છે કે તે ચિંતિત થવાની જગ્યાએ દેશની ઉપલબ્ધિઓ પર ગર્વ કરવાનું શરૂ કરે. તેમણે કહ્યું કે જેવા વ્યાપારી સોદા અને સંરક્ષણ સમજૂતીઓ આજે આપણે અમેરિકા સાથે કરી રહ્યા છીએ તેને યુપીએના સમયમાં આપણે વિચારી પણ શકતા ન હતા. પરંતુ કોંગ્રેસ પક્ષ આજે આત્મનિરીક્ષણ કરવાની જગ્યાએ સવાલો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની યાત્રાને લઈને કરવામાં આવી રહેલી તૈયારીઓના ખર્ચ પર અનેક સવાલો સર્જાયા છે. ખાસ કરીને અમદાવાદના ત્રણ કલાકના ટ્રમ્પના કાર્યક્રમ માટે 100 કરોડનો ખર્ચ સવાલોનું કેન્દ્ર છે વિપક્ષ પણ આ જ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે એમ સૂત્રોએ કહ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer