સાતમી માર્ચે ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની યાત્રાએ

સાતમી માર્ચે ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની યાત્રાએ
મુખ્ય પ્રધાનના આ પ્રવાસમાં બહોળી સંખ્યામાં શિવસૈનિકોને જોડાવાનું આહ્વાન
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા.22 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાતમી માર્ચે અયોધ્યા યાત્રાએ જવાના છે, એવી જાણકારી શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટરના માધ્યમથી આપી હતી. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ સાથેની યુતિ અઘોષિતપણે તોડીને નવેમ્બરમાં શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર બનાવી હતી. ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકાર સાતમી માર્ચે 100 દિવસ પૂર્ણ કરશે તેના ઉપલક્ષમાં મુખ્ય પ્રધાન ઠાકરે અયોધ્યા જઇને ભગવાન શ્રીરામના દર્શન કરશે અને સાંજે સરયૂ તટે મહાઆરતી પણ કરશે. મુખ્ય પ્રધાન બન્યા બાદ ઠાકરે પહેલીવાર અયોધ્યા જવાના છે. અગાઉ ગયા વર્ષે જૂનમાં ઠાકરે શિવસેના પ્રમુખ તરીકે સપરિવાર અયોધ્યા ગયા હતા, ત્યારે તેમની સાથે પાર્ટીના તમામ 18 સંસદસભ્યોએ પણ રામલલ્લાના દર્શન કર્યા હતા. 
આ વખતે ઠાકરેની સાતમી માર્ચની અયોધ્યા યાત્રામાં પરિવાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના પ્રધાનો તેમ જ પાર્ટીના મોટા નેતાઓ પણ જોડાશે. રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ટ્વીટમાં શિવસૈનિકોને સાતમી માર્ચે બહોળી સંખ્યામાં અયોધ્યા પહોંચવાનું આહ્વાન કર્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer