આકોલામાં મધમાખીઓના હુમલાથી 100 જણ જખમી

આકોલામાં મધમાખીઓના હુમલાથી 100 જણ જખમી
આકોલા, તા. 22 : મહાશિવરાત્રિ નિમિત્તે આકોલા તાલુકામાં હરિશ્ચંદ્ર કિલ્લા પર જતી વેળા મધમાખીઓએ કરેલા ઓચિંતા હુમલામાં 100થી વધુ ભાવિકો જખમી થયા હતા. આ ઘટના શુક્રવારે બપોરે ઘટી હતી. જખમીઓમાં પુણે જિલ્લાના ભાવિકોની સંખ્યા વધારે છે.
મહાશિવરાત્રિ નિમિત્તે હરિશ્ચંદ્ર કિલ્લા પર પુણે, અહમદનગર, નાશિક વગેરે જિલ્લાઓમાંથી હજારો ભાવિકો જતાં હોય છે. શુક્રવારે કેટલાક ભાવિકો કિલ્લા પર આવ-જા કરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા પર્યટકોએ મધપુડા પર પથ્થર ફેંક્યો હતો. પથ્થર વાગતાં જ હજારો મધમાખીઓ ઊડી હતી અને પર્યટકોને કરડી હતી અને ભાવિકોમાં નાસભાગ થઈ ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓને આ બાબત ધ્યાનમાં આવતાં જ તેમણે ભાવિકોને કિલ્લા પર જતાં અટકાવ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી પ્રવાસ અટકાવવામાં આવ્યો હતો.
દરમિયાન, મધમાખીઓ કરડી હતી તેવા ભાવિકોને રાજૂરની ગ્રામીણ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને પ્રાથમિક સારવાર આપીને રાતે રજા અપાઈ હતી. જોકે, બે જણની હાલત ચિંતાજનક હોવાથી તેમને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer