ફડણવીસ વધુ સમય માજી મુખ્ય પ્રધાન કે વિપક્ષના નેતા નહીં રહે : ભૈયાજી જોશી

ફડણવીસ વધુ સમય માજી મુખ્ય પ્રધાન કે વિપક્ષના નેતા નહીં રહે : ભૈયાજી જોશી
આરએસએસના સરકાર્યવાહના વિધાનથી રાજકીય અટકળો તેજ 
નાગપુર, તા.22 : દેવેન્દ્ર ફડણવીસ હવે વધુ સમય વિરોધ પક્ષના નેતા કે માજી મુખ્ય પ્રધાન નથી રહેવાના. ફડણવીસનું પ્રારબ્ધ ખૂબ જ મોટું છે, એવું સૂચક વિધાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ ભૈયાજી (સુરેશ) જોશીએ આજે નાગપુરમાં સાધના બૅન્કના લોકાર્પણ સમારોહમાં ફડણવીસની હાજરીમાં કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવાં તર્ક-વિતર્ક શરૂ થયા છે. ખાસ તો હજુ ગઇ કાલે જ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સહિયારી મહાવિકાસ આઘાડી સરકારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યાં હતાં અને આજે ભૈયાજીએ આવું વિધાન કરતા રાજ્યના રાજકારણમાં વેગળી અટકળો શરૂ થઇ છે. 
મહારાષ્ટ્રના માજી મુખ્ય પ્રધાન ફડણવીસને કેન્દ્ર સરકારમાં સ્થાન આપવાની વાતો પણ વચ્ચે ખૂબ ચાલી હતી અને બાદમાં ખુદ ફડણવીસે આવી વાતોને માત્ર અટકળો ગણાવી હતી. હવે ભૈયાજીએ ફડણવીસના ઉજ્જવળ ભવિષ્ય વિશે નિવેદન કરીને રાજકીય ચર્ચા છેડી છે. ચર્ચા એ વાતની છે કે હવે ફડણવીસ કેન્દ્રમાં જશે કે પછી શિવસેના સાથે મળીને રાજ્યમાં કોઇ નવાજૂની કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં નાગરિકતા કાનૂન લાગુ કરવાનું કહ્યા બાદ મોદી સાથેની મુલાકાત બાદ આ કાનૂનથી કોઇએ ડરવાની જરૂર નથી એવું વિધાન કરતાં એનસીપી તેમ જ કૉંગ્રેસના નેતાઓમાં પણ હલચલ મચી ગયાની ચર્ચા છે.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer