વડોદરા પાસે હૃદયદ્રાવક અકસ્માતમાં 12નાં મૃત્યુ

વડોદરા પાસે હૃદયદ્રાવક અકસ્માતમાં 12નાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા,તા. 22 : જિલ્લાના પાદરા ગામેથી આઈસર વાહનમાં એક પરિવારના સભ્યો ગોઠડા ગામે ગયા હતા. રંગેચંગે પ્રસંગ પૂરો કરી પરત ફરતા હતા ત્યારે મહુવણ રણુ રોડ ઉપર ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનની ટક્કર એટલી ભયાનક હતી કે 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતાં. એકસાથે આટલા બધા સ્વજનો મૃત્યુને ભેટતા રોકકળ થઇ પડી હતી. 20 જણાને ઇજા થઇ હતી. ભારે શોકનું મોજું છવાઈ ગયું હતું. અકસ્માતની ભયાનકતા જોઇને મરણાંક વધે તેવી ભીતિ વ્યક્ત થઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના પાદરા ગામના ઇકબાલ અબ્બાસભાઈ ચૌહાણની ભાણેજના ઘરે ગોઠડા ગામે લગ્ન પ્રસંગ હતો. મોસાળ કરવા પાદરાથી આઈસર વાનમાં 50 જેટલા પરિવારજનો ગયા હતા. ઉમંગ અને ઉત્સાહથી પ્રસંગ પૂરો કરી સૌ પરત ફરતા હતા ત્યારે મહુવણ રણુ રોડ ઉપર સામેથી આવતા ડમ્પર સાથે જોરદાર અકસ્માત સર્જાઈ ગયો હતો. આ હૃદયદ્રાવક અકસ્માતમાં સાત વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં. બાકીના પાંચ જણાને દવાખાને લઇ જવાતા હતા ત્યારે રસ્તામાં અને સારવારમાં મૃત્યુ થયા હતા. મૃતકોમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ હતો.
બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત 20 લોકોને પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. પ્રાપ્ત વિગત મુજબ મોટાભાગના લોકોના માથામાં ગંભીર ઇજાથી મૃત્યુ થયા હતા. આઈસરનું એક તરફનું પડખું પણ ચીરાઈ ગયું હતું.
જાણકારો પાસેથી મળેલી માહિતી મુજબ પાદરા પાસે અઠવાડિયામાં ડમ્પરના કારણે 3 અકસ્માત થયા છે. ડમ્પરચાલકો બેફામ ગતિએ દોડાવતા હોવાની ફરિયાદ હતી. અનિયંત્રિત ડમ્પરની ગતિએ આજે 12 જણાનો ભોગ લઇ લીધો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer