સીએસએમટી સામે વધુ સમય ગાડી ઊભી કરશો તો થશે દંડાત્મક કાર્યવાહી

સીએસએમટી સામે વધુ સમય ગાડી ઊભી કરશો તો થશે દંડાત્મક કાર્યવાહી
મુંબઈ, તા. 22 : મધ્ય રેલવેના મુખ્ય મથક છત્રપતિ 
શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)માંથી બહાર નીકળતાં જ સ્ટેશન સામે ઊભા રહેલા ખાનગી, સરકારી અને ટ્રકને કારણે પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. આ સમસ્યા હળવી કરવા સ્ટેશન સામે વાહનો વધુ સમય ઊભા રાખનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનું રેલવે સુરક્ષા દળ (આરપીએફ) વિચારી રહ્યું છે. આ અંગેનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. જો સીએસએમટી ખાતે આ યોજના સફળ રહી તો એને અન્ય મહત્ત્વનાં સ્ટેશન બહાર પણ અમલમાં મુકાય એવી શક્યતા છે.
આરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ આ અહેવાલને પુષ્ટી આપતાં કહ્યું હતું કે, સીએસએમટી સ્ટેશનથી રોજ લાખો પ્રવાસીઓ આવનજાવન કરે છે. પરંતુ સ્ટેશન બહાર અનેક વાહનો પ્રવાસીઓને મૂકવા કે લેવા આવતાં હોય છે. એમાંનાં અમુક વાહનો પ્રવાસીની રાહ જોતાં સ્ટેશનના ગેટ પાસે જ ઊભા રહે છે. આને કારણે સ્ટેશને આવજા કરતા પ્રવાસીઓએ પુષ્કળ ત્રાસ વેઠવો પડે છે. પ્રવાસીઓની આવન-જાવન દરમ્યાન કોઈ તકલીફ ન થાય એ માટે ત્રણથી પાંચ મિનિટ કરતાં વધુ સમય વાહન પાર્ક કરનારા વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનો વિકલ્પ પસંદ કરાયો છે. ટ્રેનને મોડું થવાનું હોય તો ડ્રાઈવર પાર્કિંગ લોટમાં કાર પાર્કિંગ કરે. જેથી અન્ય ડ્રાઈવરો અને પ્રવાસીઓને ત્રાસ વેઠવો ન પડે. એમ સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer