ફ્લાઇટ્ના ટેકઅૉફ-લેન્ડિંગ માટે જોખમી ઘાટકોપર-કુર્લાના ઝૂંપડપટ્ટીવાસીઓને નોટિસ

ફ્લાઇટ્ના ટેકઅૉફ-લેન્ડિંગ માટે જોખમી ઘાટકોપર-કુર્લાના ઝૂંપડપટ્ટીવાસીઓને નોટિસ
મુંબઈ, તા.22 : ફ્લાઇટ માટે જોખમી હોવાથી ફનેલ ઝોનમાંના કુર્લા-ઘાટકોપર પશ્ચિમ ખાતેના 173 ઝૂંપડાવાસીઓને એક અઠવાડિયામાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ મહાપાલિકાએ આપી છે. આ કાર્યવાહીને કારણે સેંકડો કુટુંબીજનો બેઘર થવાનો વારો આવ્યો છે. આ કાર્યવાહીનો સત્તાધારી શિવસેનાએ વિરોધ કર્યો છે. પાલિકા સમક્ષ આ નોટિસ પાછી ખેંચવાની માગણી પણ કરી છે.
કુર્લા પશ્ચિમ અને ઘાટકોપર પશ્ચિમ પરિસરના રહેવાસીઓને પાલિકાના એલ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરે 351 કલમ અંતર્ગત નોટિસો મોકલાવી છે. શિવસેનાના નગરસેવક કિરણ લાંડગેએ સુધાર સમિતિની બેઠકમાં આ અંગેની જાણકારી આપી હતી. અહીંના રહેવાસીઓ 1972થી વસવાટ કરે છે. પાલિકા તંત્ર દ્વારા સંબંધિત રહેવાસીઓ પાસેથી 1964થી રહેતા હોવાના પુરાવા આપવા જણાવાઈ રહ્યું છે. કુર્લા-ઘાટકોપરમાંના મુકુંદરાવ આંબેડકર નગર, હનુમાન ટેકરી, જરીમરી, સંજય નગર, અશોક નગર વગેરે વિસ્તારના ઝૂંપડાવાસીઓને નોટિસ મોકલવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
એરપોર્ટનું સંચાલન કરતી જીવીકે કંપનીના કહેવાથી આ નોટિસો આપવામાં આવી હોવાનું જણાવાઇ રહ્યું છે. વિલે પાર્લે વિભાગમાં જીવીકે કંપની દ્વારા મનસ્વીપણે ઝૂંપડાઓનો સર્વે કરી રહેવાસીઓને અન્યાય કરતો હોવાનું ભાજપના અભિજિત સાવંતે જણાવ્યું હતું. સંબંધિત કંપનીનું સર્વેક્ષણ શંકાસ્પદ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. પાલિકાને આ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવાની માગણી તમામ પક્ષોના સભ્યોએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer