વડોદરામાં ત્રણ લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ

વડોદરામાં ત્રણ લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 22 : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા ખાતે બાયો રેમીડિએસન પ્રોજેક્ટ હેઠળ આશરે ત્રણ લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટ એટલે કે વર્ષોથી જામેલો કચરો બાયો રેમીડિએશન પ્રક્રિયા પ્રમાણે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. 
ત્રણ લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ બાદ આશરે 13 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. કોર્પોરેશનના અટલાદરા ખાતેના કોમ્પોસ્ટ પ્લાન્ટની બહાર જમા થયેલા લેગસી વેસ્ટને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ મુજબ બાયો રેમીડિએશન પ્રક્રિયા દ્વારા પ્રોસેસ કરી નિકાલ કરવાનો છે. 
તામિલનાડુની એક કંપનીને આની કામગીરી સોંપાઈ હતી. જેણે જુલાઇ 2018થી કામગીરી શરૂ કરી હતી. ડિસેમ્બર 2019 સુધીમાં ત્રણ લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી 17 એકરમાંથી 13 એકર જમીન ખુલ્લી કરી હતી. હજી આ સ્થળે 75 હજાર મેટ્રિક ટન લેગસી કચરો પડ્યો છે. જેનો આજ પદ્ધતિથી નિકાલ કરવો જરૂરી છે. 
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ મુજબ 120 દિવસમાં આ કચરાનો નિકાલ કરી જમીન લેવલિંગ કરી કોર્પોરેશનને જમીન સુપરત કરી દેવાની કામગીરી તામિલનાડુની આજ કંપનીને સોંપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થઈ હતી. 
વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવા સુકો અને ભીનો કચરો પ્લાસ્ટિક પથ્થરો વગેરે જુદા પાડવામાં આવે છે. જેમાંથી ખાતર કંપનીઓમાં બળતણ માટે સળગાવી શકાય તેવા ચોસલા વગેરે બનાવાય છે. કચરામાં કાગળ અને કપડાં વગેરે હોવાથી તે બળી શકે તેવી થોડી વેલ્યુ ધરાવતા હોય છે.   અગાઉ કચરાને ડમ્પિંગ સાઈટમાં ધરબી દેવાતો હતો. જેના પર પ્લાન્ટેશન વગેરે કરવું પડતું હતું, પરંતુ આ પદ્ધતિમાં કચરાનો નિકાલ થતાં જમીન ખુલ્લી બનતા કોર્પોરેશન પોતાના કોઈ પ્રોજેક્ટ માટે ઉપયોગ કરી શકશે. સરકારે કમ્પોનન્ટ ડમ્પ સાઇટ મૅનેજમેન્ટ ગ્રાન્ટ હેઠળ રૂપિયા 62 કરોડની ગ્રાન્ટ આપી છે. જેમાં 30 વર્ષથી જામેલા લેગસી કચરાના નિકાલ માટે કુલ 26 કરોડ 61 લાખનો ખર્ચ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer