ટેલિકૉમ કંપનીઓની રૂા. 22,589 કરોડની લાઈસન્સ ફી બાકી

ટેલિકૉમ કંપનીઓની રૂા. 22,589 કરોડની લાઈસન્સ ફી બાકી
નવી દિલ્હી, તા. 22 : ટેલિકોમ કંપનીઓની નહીં ચૂકવાયેલી લાઈસન્સ ફીનો આંકડો રૂા. 22,589 કરોડે પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યાજ અને પેનલ્ટીના રૂા. 92,641 કરોડ ચૂકવવાના બાકી છે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ની કુલ રકમમાં લાઈસન્સ ફીનો હિસ્સો ઘણો મોટો રૂા. 1.47 લાખ કરોડ છે.
ડિપાર્ટમેન્ટ અૉફ કમ્યુનિકેશન્સ (ડીઓટી)ના અંદાજ અનુસાર લાઈસન્સ ફી ઉપરાંત ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ પેટે રૂા. 55,054 કરોડ ચૂકવવાના બાકી છે. ટેલિકોમ કંપનીઓ અત્યારે એજીઆર અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે ત્યારે લાઈસન્સ ફીની બાકી રકમ રૂા. 22,589 કરોડ છે. બાકીની રકમ લાઈસન્સ ફીના વ્યાજ, પેનલ્ટી અને પેનલ્ટીના વ્યાજની છે. ડીઓટીએ જુલાઈ, 2019માં તૈયાર કરેલા અંદાજ પ્રમાણે નહીં ચૂકવાયેલી કુલ બેઝિક લાઈસન્સ ફીમાં અત્યારે કાર્યરત હોય તેવી ટેલિકોમ કંપનીઓએ રૂા. 16,746 કરોડ ચૂકવવાના બાકી છે. ભારતી ઍરટેલે નહીં ચૂકવેલી લાઈસન્સ ફીનો આંકડો રૂા. 5528.52 કરોડ, વોડાફોન આઈડિયાનો રૂા. 6870.69 કરોડ, ટાટા ગ્રુપનો રૂા. 2321.31 કરોડ, ટેલિનોરનો રૂા. 529.02 કરોડ, બીએસએનએલનો રૂા. 614 કરોડ અને એમટીએનએલનો રૂા. 876.39 કરોડ છે. સૂત્રના જણાવ્યા અનુસાર લાઈસન્સ ફી, વ્યાજ અને પેનલ્ટીના અંદાજની ગણતરી જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી. નવી ગણતરી અત્યારે ચાલુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer