મોરારજીભાઈના સમાધિ સ્થળ - અભયઘાટની જાળવણી કેન્દ્રને સોંપવામાં વિલંબ : પ્રદ્યુમ્ન બધેકા

મોરારજીભાઈના સમાધિ સ્થળ - અભયઘાટની જાળવણી કેન્દ્રને સોંપવામાં વિલંબ : પ્રદ્યુમ્ન બધેકા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 22 : કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ મોન્યુમેન્ટ અૉથોરિટી દેશભરનાં સ્મારકોની જાળવણીનું કામ કરે છે. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈના અમદાવાદમાં આવેલા સમાધિ સ્થળ - અભયઘાટની જાળવણીની જવાબદારી તે `અૉથોરિટી'ને સોંપવામાં આવી નથી. કેન્દ્ર સરકાર `અભયઘાટ'ની જાળવણીની જવાબદારી `અૉથોરિટી'ને સોંપે તો ત્યાં મુલાકાતીઓની સંખ્યા વધે એમ જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય મંત્રી અને જાણીતા ધારાશાત્રી પ્રદ્યુમ્ન બધેકાએ જણાવ્યું છે.
પ્રદ્યુમ્ન બધેકા સિદ્ધાંતનિષ્ઠ અને વહીવટી કુશળતા ધરાવતા રાજકારણી તરીકે મોરારજીભાઇને  ખૂબ જ આદરપાત્ર માને છે. તેઓ મોરારજીભાઈના નિકટના અનુગામી રહ્યા છે.  મોરારજીભાઇના સ્મારકનું યોગ્ય જતન નહીં થતાં તેઓ તે બાબત પ્રત્યે સરકાર અને લોકોનું ધ્યાન દોરવા માગે છે.
પ્રદ્યુમ્ન બધેકાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમની લગોલગ મોરારજીભાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી તે સ્થળ `અભયઘાટ' તરીકે ઓળખાય છે. તેની જાળવણી પ્રત્યે સંબંધી તો બેદરકાર છે. દેશભરમાંના મહાનુભાવોનાં સ્મારકોનાં જાળવણીની જવાબદારી નેશનલ મોન્યુમેન્ટ અૉથોરિટી સંભાળે છે. આમ છતાં અભયઘાટની જાળવણીની જવાબદારી અૉથોરિટીને સોંપવામાં પાછીપાની કરવામાં આવે છે. `અભયઘાટ'ની ખુલ્લી જગ્યાને હરિયાળી કે રંગબેરંગી ફૂલોના છોડ વડે સજાવવામાં આવી નથી. ત્યાં પાણીની સમસ્યા છે અને વીજળી પણ નથી. તે સ્થળે બેસવા માટે બાંકડા પણ નથી. મોરારજીભાઈના અવસાન પછી `અભયઘાટ'ના વહીવટ માટે નિમાયેલી સમિતિમાં બે ભૂતપૂર્વ વડા પ્રધાનો અટલબિહારી વાજપેયી અને ચંદ્રશેખર ઉપરાંત મારો પણ સમાવેશ થતો હતો. તે સમયે `અભયઘાટ'ને `અૉથોરિટી'ના કાર્યક્ષેત્ર હેઠળ લાવવાની માગણી કરવામાં આવી હતી પરંતુ ત્યાર પછી તે દિશામાં ખાસ પ્રગતિ થઈ નહોતી.
બધેકાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરારજીભાઈના અવસાન પછી પાટનગર દિલ્હીમાં અશોક રોડ ઉપર `ગોડમેન' ધીરેન્દ્ર બ્રહ્મચારીનો આશ્રમ હતો તે જગ્યા ઉપર નૅચરોપથી, યુનાની અને આયુર્વેદ જેવી ઉપચાર પદ્ધતિ કરતા કેન્દ્રને મોરારજીભાઇનું નામ આપવામાં આવ્યું હતું. આમ છતાં અત્યારે ત્યાં મોરારજી દેસાઈના નામની આગળ પતંજલિ નામ લગાડી દેવામાં આવ્યું છે. મોરારજીભાઈ દેસાઈ જેવાં સિદ્ધાંતનિષ્ઠ રાજકારણીની સ્મૃતિને જીવંત રાખવામાં ઉદાસીનતા દેખાય છે એમ બધેકાએ ઉમેર્યું હતું.
બધેકાએ જણાવ્યું હતું કે ગુજરાતના ભૂતપૂર્વ સાંસદ હરીન પાઠકે જુલાઈ, 2009માં લોકસભામાં માગણી કરી હતી કે અમદાવાદમાં મોરારજીભાઈ દેસાઈનું સ્મારક બાંધવામાં આવે. પાઠકે લોકસભામાં  જણાવ્યા અનુસાર એપ્રિલ, 1995માં તેમનું અવસાન થયું. પછી ગુજરાત સરકારે `સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ'ને સાબરમતી નદીના કાંઠે આવેલી જમીનનો હિસ્સો અંતિમવિધિ માટે આપવાની વિનંતી કરી હતી. બાદમાં 23મી ફેબ્રુઆરી, 1996ના દિવસે ભારત સરકારે અભયઘાટમાં યોગ્ય સ્મારક બાંધવા સંકલ્પના સમિતિ રચી હતી. સ્મારક બાંધવા રૂા. એક કરોડ ખર્ચવાનો અંદાજ હતો. જમીનની કિંમત ભારત સરકાર વહન કરે એવી વિનંતી કરાઈ હતી. ગુજરાત સરકાર પાસે રાષ્ટ્રીય સ્મારક બાંધવાની કોઈ સ્કીમ નહીં હોવાથી ભારત સરકાર પહેલ કરી સ્મારકના નિર્માણમાં આગળ વધે. હરીન પાઠકની રજૂઆત છતાં હજી પ્રગતિ થઈ નથી, એમ બધેકાએ ઉમેર્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીના કહેવા મુજબ મોરારજીભાઈ દેસાઈની જન્મ જયંતી આવતી 29મી ફેબ્રુઆરીએ છે. તે દિવસે સવારે સમૂહપ્રાર્થના અને યોગનો કાર્યક્રમ યોજાશે.
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે મોરારજીભાઇના જન્મદિન- 28મી ફેબ્રુઆરી અને પુણ્યતિથિ 10મી એપ્રિલે અભય ઘાટ ખાતે તેમની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer