ફેરિયાઓને ગેરકાયદે લાઇસન્સ આપતાં અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરો : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 22 : શૈક્ષણિક સંસ્થાઓથી સો મીટરના પરિસરમાં ફેરિયાઓને બેસવાની પરવાનગી ન હોવા છતાં મુંબઈ મહાપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદે કામચલાઉ લાઇસન્સ અપાતાં હોવાની ગંભીર નોંધ લઈ બોમ્બે હાઇ કોર્ટે શુક્રવારે આ વિભાગના આસિસ્ટંટ લાઇસન્સિંગ સુપરિન્ટેન્ડન્ટ જયંત હીરે અને સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ દળવી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ મહાપાલિકાને આપ્યો હતો. એ સાથે આ બંને અધિકારીઓને શોકોઝ નોટિસ આપી તેમના વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી થાય એનું ધ્યાન રાખવા પાલિકાકમિશનર પ્રવીણ પરદેસીને જસ્ટિસ શાહરુખ કાથાવાલા અને જસ્ટિસ રિયાઝ ચાગલાની બેન્ચે જણાવ્યું હતું.
બૉમ્બે હાઇ કોર્ટ અને મુંબઈ યુનિવર્સિટી પાસેની ફૂટપાથ પર ગેરકાયદે વડાં પાંઉ-ભાજીપાંઉના સ્ટૉલ સામે પાલિકા આંખ આડા કાન કરતી હોવા પ્રત્યે ધ્યાન દોરતી એક અરજી સંજય ગુરવે એડવોકેટ નિશા મહેરા દ્વારા કરી હતી. ત્યાર બાદ દિલીપ શિરોડકર દ્વારા ચલાવાતા સ્ટોર વિરુદ્ધ પાલિકાએ અનેકવાર કાર્યવાહી કરી હતી. જોકે, શિરોડકરનાં પત્નીએ નવેસરથી અરજી કર્યા બાદ પાલિકાના લાઇસન્સ વિભાગે કામચલાઉ ધોરણે વડાંપાંઉ-ભાજીપાંઉનો સ્ટૉલ ચલાવવાની પરવાનગી આપી. એમ ગુરવે કરેલી કોર્ટની અવમાનનાની અરજીમાં જણાવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાના સો મીટરના પરિસરમાં ફેરિયાઓને નિયમ મુજબ પરવાનગી આપી શકાય નહીં. અને આ અંગે ખુદ હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે. એટલું જ નહીં, આ અગાઉ પણ હાઇ કોર્ટના આદેશને પગલે પાલિકાએ આ સ્ટૉલ વિરુદ્ધ અનેકવાર કાર્યવાહી કરી હોવા છતાં પાલિકા ફરી એ સ્ટૉલધારકને લાઇસન્સ કેવી રીતે આપી શકે? એવો પ્રશ્ન બેન્ચે કર્યો હતો. ઉપરાંત આ મામલે લાઇસન્સ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ શરદ બાંદેને તમામ દસ્તાવેજો સાથે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો, એ મુજબ શુક્રવારે બાંદે કોર્ટમાં હાજર રહ્યા હતા. બેન્ચે આ કેસની વિગતો જાણ્યા બાદ હીરે અને દળવીએ સ્ટૉલને આપેલું લાઇસન્સ નિયમબાહ્ય અને ભૂલભરેલું હોવાનું પાલિકાના વકીલે માન્ય કર્યું હતું. ઉપરાંત આ અધિકારીઓ વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી પણ આપી હતી. એ સમયે બન્ચે પાલિકાના અધિકારીઓના આવા બેજવાબદાર કારભાર પ્રત્યે તીવ્ર નારાજી વ્યક્ત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer