વડા પ્રધાન સાથે ઉદ્ધવ ઠાકરેની જીએસટીના વળતર અને પીએમસી બૅન્કના મુદ્દે ચર્ચા થઈ : આદિત્ય ઠાકરે

મુંબઈ, તા.22 : શુક્રવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જીએસટીનું રાજ્યને મળવાપાત્ર વળતર તેમ જ પીએમસી બૅન્કના મુદ્દે પણ ચર્ચા કરી હતી, એમ રાજ્યના પર્યટન પ્રધાન અને ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું હતું. આ સાથે જ જુનિયર ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેની મુખ્ય પ્રધાન તરીકે દિલ્હીની પહેલી મુલાકાતને સફળ, સરળ અને શુભેચ્છાભરી કહી હતી.
રાજ્ય સરકારના પ્રોટોકોલ ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળતા આદિત્ય ઠાકરેએ સરકારના સાથી પક્ષ કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી સાથેની ઠાકરેની મુલાકાતને રાજકીય ગણાવતા જણાવ્યું હતું કે આ બેઠકમાં પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિતના કૉંગ્રેસના સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા. ઠાકરે પિતા પુત્ર દિલ્હીમાં ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગૃહપ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. આદિત્યએ જણાવ્યું હતું કે હું દિલ્હીના પ્રવાસે પર્યાવરણ અને પર્યટન પ્રધાનના પ્રોટોકૉલ પ્રમાણે ગયો હતો. ત્યાંનું વાતાવરણ સુંદર છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં આદિત્યએ કહ્યું હતું કે દિલ્હીની દરેક મુલાકાત પ્રોટોકૉલ પ્રમાણેની હતી, દરેક મુલાકાતના હેતુ અને મુદ્દા વેગળા હોય છે. વડા પ્રધાન સાથે જીએસટી અને પીએમસી બૅન્કના મુદ્દે વાતચીત થઈ હતી જ્યારે સોનિયા ગાંધી સાથેની મુલાકાત રાજકીય હતી.      

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer