ટ્રમ્પને આવકારવા વડા પ્રધાન મોદી આજે રાતે જ અમદાવાદ આવી પહોંચશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.22: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતની શરૂઆત અમદાવાદથી કરશે ત્યારે ટ્રમ્પને આવકરવા તેમજ અમદાવાદ શહેરમાં કરવામાં આવેલી તૈયારીની કામગીરીની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે રાતે અમદાવાદ આવી પહોચશે. તેઓની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. 
ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ શહેરને નવી દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે. ટ્રમ્પને આવકારવા અમદાવાદ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના આગમન પૂર્વે અમદાવાદ શહેરનો મોટાભાગનો વિસ્તાર રાત્રિ દરમિયાન રોશનીથી ઝળહળી ઉઠતા શહેરીજનો રાત્રિ દરમિયાન રોશની જોવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને સાબરમતી નદી ઉપરના તમામ પુલ ઉપર રોશનીએ ઓકર્ષણ જમાવ્યું છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી રોડ શો યોજી સીધા મોટેરા સ્ટેડિયમ જવાના છે, આ રૂટ પર ખૂબ જ આકર્ષક રોશની કરવામાં આવી છે સાથે સાથે રિવરફ્રન્ટ પણ રોશનીથી ઝગમગી ઉઠયો છે. જ્યારે સાબરમતી, મોટેરા અને ગાંધીઆશ્રમ વિસ્તારની  તો સીકલ બદલી દેવામાં આવી છે. 
મહત્વનું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ આગમન ઉપર વ્વિશ્વના દેશોના નેતાઓની નજર છે. ટ્રમ્પના 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આગમન થતા  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તેમને આવકારશે અને ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપી એરપોર્ટ પર જ સેંસ્કૃતિક કાર્યક્રમોસાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ હેઠળ ટ્રમ્પ અને મોદી એક મંચ ઉપરથી સંબોધન કરવાના છે. ટ્રમ્પના આગમન પૂર્વે વડાપ્રધાન મોદી આવતીકાલે રવિવારે અમદાવાદ આવી પહોંચવાના છે અને તેઓ રાજ્યસરકારના સંબંધિત વિભાગોના પ્રધાનો સાથે ચર્ચા-વિચારણા કરી તૈયારીની કામગીરીની સમીક્ષા કરવાના છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવનારી વસ્તુઓની પણ ચકાસણી કરશે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવી પહોંચ્યા બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે ત્યારબાદ સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પને તેઓ આવકારશે. ડોનાલ્ડ ટ્રમ્પનો એરપોર્ટ થી મોટેરા સ્ટેડિયમ ભવ્ય રોડ શો યોજાશે. દરમિયાન યુએસની સિક્રેટ એજન્સીઓએ મુખ્યપ્રધાન રૂપાણીના કાફલાને ટ્રમ્પના રોડ શોમાં જોડાવાની મંજૂરી આપી નથી. ટ્રમ્પના રોડ શોની સુરક્ષાની કમાન સિક્રેટ એજન્સીના હાથમાં છે જેને લઇને રોડ શોમાં કઇ કાર સામેલ કરવી તે સ્રેટ એજન્સી દ્વારા નક્કી કરાય છે. સાથે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ ખુલ્લી કારમાં પણ રોડ શો નહીં કરે. રોડ શો દરમિયાન ટ્રમ્પની સુરક્ષા ત્રિસ્તરીય રહેશે. જેમાં સૌથી પહેલા અમેરિકાના સિક્રેટ સર્વિસની હશે, ત્યારબાદ એસપીજી- એનએસજી અને પછી ચેતક કમાન્ડો રહેશે. રોડ શોના રૂટ ઉપર આજે સવારે ભારતીય સુરક્ષા એજન્સી, ભારતીય લશ્કર તથા અન્ય એજન્સીઓનું રિહર્સલ યોજાયુ હતું. જેના પગલે રસ્તા પર લોકોના ટોળેટાળા ઉમટી પડયા હતા. અમદાવાદ શહેરના મેયર તથા મ્યુનિ.કમિશ્નરે  પણ તમામ સ્થળો પર  પહોંચી અંતિમ ચકાસણી કરી હતી. 
 રોડ શોના માર્ગ પર ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ પર વિવિધ રાજ્યોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરશે. દરમિયાન ગરમીનો પ્રકોપ વધતા તંત્ર દ્વારા લાખોની જનમેદની માટે તથા રોડ શોમાં ભાગ લેનારા લોકો માટે પાણીની સાથે છાસની પણ સુવિધા આપવાનો નિર્ણય કરાયો છે. જે માટે ત્રણ લાખથી વધુ છાસના ટેટ્રાપેક ખરીદવામાં આવ્યા છે.  આ સાથે પીવાના પાણીના કાઉન્ટરો પણ ઉભા કરાયા છે. પીવાના પાણીના સાત લાખ પેપર ગ્લાસ ખરીદવામાં આવ્યા છે.  એકત્ર થયેલા લોકોના નાસ્તાની કામગીરી સાત ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરોને આપવામાં આવી છે. આ નાસ્તા એવા હશે જે જલ્દી બગડી ન જાય, જેમાં સુખડી, મોહનથાળ, પુરી-શાક વગેરેનો સમાવેશ થાય છે. દરેકને બસોમાં જ પેપેર ડિશમાં નાસ્તો આપવામાં આવશે 
દરમિયાન ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન શહેરમાં નો ફ્લાય ઝોન જાહેર કરવાનો એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય પાછો ખેચાયો છે.  ટ્રમ્પના આગમન સમયે પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે. જો કે ટ્રમ્પનું વિમાન અમદાવાદ પહોંચશે તે વખતે અન્ય કોઇ ફ્લાઇટ પણ લેન્ડિંગ માટે અમદાવાદ પહોંચી હશે તો તેને હવામાં જ રાખવામાં આવશે અને ટ્રમ્પના વિમાનને લેન્ડિંગમાં પ્રાથમિક તા આપવામાં આવશે. ટ્રમ્પનું વિમાન એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયા બાદ જ અન્ય ફ્લાઇટોને લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવશે. મુસાફરોએ ઓછામાં ઓછા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે. આ સાથે મુસાફરોને રોડ બંધ હશે ત્યારે ટિકિટની તેમજ આઇડી પ્રુફની હાર્ડકોપી બતાવનારા મુસાફરોને જ જવા દેવામાં આવશે. મોબાઇલની કોપી મંજૂર કરવામાં આવશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer