ગુજરાતમાં ચાલુ વર્ષે એરંડાના બમણા પાકનો અંદાજ

કચ્છમાં સૌથી વધુ 20 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા
અમારા પ્રતિનિધિ દ્વારા 
અમદાવાદ, તા.22: દેશની સોલ્વન્ટ એક્સટ્રેકર્સ ઉદ્યોગની મોટી સંસ્થા સોલ્વન્ટ એક્સટ્રેકર્સ ઓફ ઇન્ડિયા (એસઇએ) દ્વારા અમદાવાદમાં આજે ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વર્ષે ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બમણું એટલે કે 17,44,400 ટન થવાની ધારણા સેવવામાં આવી છે.  જેમાં સૌથી વધુ કચ્છમાં 20,500 ટન એરંડાનું ઉત્પાદન થશે તેમ મનાય છે. 
મહત્વનું છે કે, ગુજરાતમાં એરંડાનો વાવેતર વિસ્તાર પાછલા વર્ષે 5,33,800 હેક્ટર હતો તે વધીને 7,40,600 હેક્ટર થયો છે, જેમાંથી હેક્ટરદીઠ 1666 કિગ્રાની પાછલા વર્ષની ઉપજ સામે અને હેક્ટરદીઠ 2355 કિગ્રા થવાની ધારણા છે. જ્યારે કુલ ઉત્પાદન પાછલા વર્ષના 8,89,900 ટનની સામે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને કારણે બમણું 17,44,400 ટન થવાની ધારણા સેવવામાં આવી રહી છે. 
ગુજરાતમાં એરંડાનો પાક મુખ્યત્વે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરામાં લેવામાં આવે છે.
જ્યારે રાજસ્થાનમાં સરકારના અંદાજ અનુસાર વર્ષ 2019-20માં એરંડાનું વાવેતર 1,54,240 હેક્ટરમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે જે પાછલા વર્ષે 1,38,000 હેક્ટરના સ્તરે હતું અને પાછલા વર્ષની તુલનામાં 12 ટકાનો વધારો દર્શાવે છે. 
ચાલુ વર્ષે એસઇએ દ્વારા ફિલ્ડના સર્વે અને રિમોટ સેન્ટ ડેટા એનાલિસીસ દ્વારા ગુજરાત, રાજસ્થાન અને તેલંગણામાં પાક અંદાજનો અભ્યાસ કરવા માટે ઇન્ડિયન એગ્રીબિઝનેસ સિસ્ટમ્સ લિમીટેડની સ્થાપના કરવામાં આવી છે જે 
ઉદ્યોગમાં એગ્રીવોચના નામે ઓળખાય છે.  
એગ્રીવોચના અંદાજ અનુસાર રાજસ્થાનમાં 2019-20માં એરંડાનો વાવેતર વિસ્તાર 1,76,650 હેક્ટરનો હોઇ શકે છે જે સરકારના 2018-19ના અંદાજ સામે 28 ટકા વધુ છે. રિમોટ સેન્સીંગ ટેકનિકનો ઉપયોગ કરતા રાજ્યમાં 2019-20માં એરંડાનો વાવેતર વિસ્તાર  172,270 હેક્ટર હોવાનો અંદાજ છે. 
જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં વાવેતર વિસ્તારમાં પાંચ ટકાનો આંશિક ઘટાડો થઇને 2019-20માં 57,350 હેક્ટરમાં વાવેતર થયું હોવાનો અંદાજ છે. આમ કુલ ઉત્પાદન 33,000 ટન થવાની ધારણા સેવવામાં આવે છે. 
સરકારના અંદાજ અનુસાર ભારતભરમાં એરંડાનો કુલ વાવેતર વિસ્તાર 2019-20માં 9,92,000 હેક્ટરનો હોવાનો મનાય છે, જે પાછલા વર્ષના 7,69,570 હેક્ટર સામે 29 ટકાનો વધારો દર્શાવેલ છે. ગુજરાત, રાજસ્થાન અને આંધ્ર અને તેલંગણા જેવા ઉત્પાદક કેન્દ્રોમાં વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. જ્યારે ભારતમાં હેક્ટરદીઠ એરંડાનું ઉત્પાદન 2052 કિગ્રા હોવાનું મનાય છે. આ તમામ ધારણાઓ ખેડૂતો દ્વારા હાલની પરિસ્થિતિને આધારે દર્શાવેલા અંદાજ અનુસારનો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer