કેસરમાં માલબોજ અને ઠંડી ઘરાકીથી ભાવ ટકેલા

મુંબઈ, તા. 22 : કેસરમાં ગયા વર્ષનો માલબોજ અને ઠંડીની સિઝનમાં ઓછી ઘરાકીને લીધે ભાવ ઊઘડતી સિઝનના સ્તરે જળવાઈ રહ્યા છે.
સ્થાનિક એપીએમસી બજારમાં હાલ `એ ગ્રેડ' કેસરનો પ્રતિ કિલો જથ્થાબંધ ભાવ કરવેરા સિવાય રૂા. 1,60,000 કવોટ થઈ રહ્યો છે, જે સિઝનના આરંભે ડિસેમ્બરમાં હતો. આ વર્ષે શિયાળામાં કેસરની માગ હતી તેના કરતાં હાલમાં લગ્નગાળાની સિઝનની માગ વધુ છે. પરિણામે `એ ગ્રેડ' કવોલિટીનો માલ બજારમાં ઓછો થઈ ગયો છે અને ભાવ સિઝનના આરંભના સ્તરે બોલાઈ રહ્યા છે.
જોકે, ગયા વર્ષે `એ ગ્રેડ' કવોલિટીના પ્રતિ કિલો જથ્થાબંધ ભાવ કરવેરા સિવાય રૂા. 1,80,000 હતા તેની સરખામણીએ આ વર્ષે સિઝનના આરંભે માલબોજ હોવાથી ભાવ રૂા. 1,60,000 ખૂલ્યા હતા. હાલ બજારમાં મિશ્ર ગુણવત્તા ધરાવતા `બી ગ્રેડ'નો ભાવ રૂા. 1,20,000 છે. જેનો વેપાર સિઝનના આરંભે રૂા. 1,50,000ના ભાવે થયો હતો. અત્યારે બજારમાં `બી ગ્રેડ'નો પર્યાપ્ત માલ હોવાનું સ્થાનિક એપીએમસી બજારના કેસરના વેપારીઓનું કહેવું છે.
મુંબઈમાં મુખ્યત્વે કાશ્મીર, ઈરાન અને અફઘાનિસ્તાનના કેસરનો વેપાર થઈ રહ્યો છે. વિશ્વમાં ગુણવત્તાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ કાશ્મીરનું અને બીજા ક્રમાંકે અફઘાનિસ્તાનનું કેસર સ્થાન ધરાવે છે.
ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ભાવ ઓછા હોવાથી પાંચથી 10 ટકા જેટલી ખપત વધુ રહી છે, છતાં પણ ભાવ જળવાઈ રહેવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer