ખજૂરના ભાવ 40 ટકા સુધી ઊંચા : આયાત ફક્ત 50 હજાર ટન થઇ શકી

અખાતી દેશોમાં ખજૂરનો પાક ઓછો, આયાત ઘટી
રાજકોટ, તા. 22 : અખાતી દેશોમાં ખજૂરનું ઉત્પાદન ઓછું થવાને પરિણામે ભારતીય બજારમાં ભાવ સળગી ગયા છે. નબળા ઉત્પાદનને લીધે આયાત સામાન્ય વર્ષો કરતાં 25 ટકા જેટલી જ થઇ છે. ભાવ આશરે 30-40 ટકા જેટલા ઉંચા થઇ ગયા છે. પરિણામે ઠંડીની સીઝનની માગ કપાઇ ગઇ હતી અને હવે હોળી-રમઝાનની ઘરાકી અસરગ્રસ્ત થાય તેવી શક્યતા છે.
ખજૂરનો ભાવ સામાન્ય રીતે સૌરાષ્ટ્રની જથ્થાબંધ બજારમાં એક કિલોએ રૂા. 50થી 90 વચ્ચે ચાલતો હોય છે. તેજીને લીધે આ વર્ષે રૂા. 80થી 120 સુધી પહોંચી ગયા છે. રિટેઇલમાં રૂા. 15-20 વધુ ચૂકવવા પડે છે. આમ ગ્રાહકો ખજૂરની ખરીદી ઓછી કરી રહ્યા છે. એક-બે કિલો ખજૂર ખરીદનારા લોકો અત્યારે અઢીસો-પાંચસો ગ્રામ લઇને ચલાવી રહ્યા છે.
નવેમ્બર મહિનાથી ભારતમાં ખજૂરની આયાત શરૂ થાય છે. સૌરાષ્ટ્ર અને મુંબઇમાં ખજૂર ઊતરે છે. આ બે મહત્વનાં સ્થળો પર અત્યાર સુધીમાં માંડ 50 હજાર ટન ખજૂર આવ્યો છે. તેનું મૂળ કારણ અખાતી દેશોમાં નબળો પાક છે. દર વર્ષે દોઢથી પોણા બે લાખ ટન જેટલો ખજૂર આવતો હોય છે. આ વર્ષે નબળી આવક થઇ છે એ ભાવવધારાનું મૂળ કારણ છે.
ભારતમાં ઇરાન કરતાં ઇરાકનો ખજૂર વધારે આવે છે. ત્યાં પણ પાક નબળો છે. ખજૂર ઉપર જીએસટી 12 ટકા જેટલો લાગે છે તેના કારણે પણ ભાવવધારો ગ્રાહકોએ સહન કરવો પડે છે. ખજૂર ઉપર આયાતજકાત પણ 20 ટકા જેટલી છે. તાજેતરમાં તે 10 ટકા ઘટાડાઇ છે પણ તેનો કોઇ ફાયદો નથી. સરકારે આયાતજકાત કાઢી નાખવી જોઇએ તો જ સામાન્ય લોકોની પહોંચમાં ખજૂર આવી શકશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer