શૅરબજારની સ્થિરતા હજુ થોડી દૂર

સ્પેશિયાલિટી કેમિકલ શૅરમાં નફાતારવણી હિતાવહ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
`જન્મભૂમિ પ્રવાસી'    મુંબઈ, શનિવાર
શૅરબજારમાં કોરોના વાઇરસની ચિંતા થોડી હળવી થવાનો પાછલા અઠવાડિયાના અંતિમ દિવસોમાં મૂડ જોવાયો હતો. જેથી બજારે ચાર સેશન પછી એક નોંધપાત્ર ઉછાળો જોયો હોવા છતાં આખરે અઠવાડિક ધોરણે નિફ્ટી 0.27 ટકા નીચે 12080ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક અર્થતંત્રની ચિંતા છોડવાની માનસિકતા સકારાત્મક ગણી શકાય. આમ છતાં અઠવાડિક ધોરણે ટેકિનકલી નિફ્ટીમાં ડ્રેગનફ્લાય ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન બની છે. ભારે વેચવાલી પછી અનેક હેવીવેઇટ શૅરોમાં સંસ્થાકીય લેવાલીને લીધે સમગ્રરીતે બજારમાં નિફ્ટીએ 50 અને 100 ડીએમએ ઉપરનો ટ્રેન્ડ જાળવી રાખ્યો છે એમ સેમ્કો સિક્યોરિટીઝના વડા જીમિત મોદીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું છે કે નિફ્ટીમાં ટૂંકાગાળાની 11900-12250નો ટ્રેડિંગ ઝોન બની રહ્યાનો સંકેત છે. જોકે, ઉપરોક્ત સપાટી તૂટયા પછી જે તે સમયના સંજોગો બજારના નવા વલણને સંચાલિત કરશે.
આગામી અઠવાડિયા માટે સ્થાનિક બજારમાં વૈશ્વિક ઘટનાઓ અને સંકેતોનો પડઘો ઝીલાય તેમ લાગે છે. ક્રૂડતેલના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં 8 ટકાનો સંગીન ઉછાળો જોવાયો છે. બીજી તરફ સોનાના ભાવ ઔંસ દીઠ 1600ની સપાટીએ આવ્યા છે. ઉપરોક્ત બંને બાબતો સામસામા પ્રવાહનો સંકેત કરે છે. સામાન્ય રીતે સોનામાં તેજી-મંદી સૂચક અને શૅરબજારમાં ઘટાડાનો નિર્દેશ ગણાય છે જે ધ્યાને રાખવું જરૂરી બનશે. સ્થાનિક બજારમાં એનએસડીએલ, એસબીઆઈ કાર્ડ, બાર્બેક્યુ નેશન સાથે આગામી મહિનાઓમાં જાહેર ક્ષેત્રની કેટલીક કંપનીઓના ઇસ્યૂ આવશે. જેથી રોકાણકારોને અન્યત્ર રોકાણની તક ઉપલબ્ધ થશે. જે તે સમયે શૅરબજારનો નવો ટ્રેન્ડ જોવાય તો નવાઈ નહીં ગણાય. જોકે, અત્યાર સુધીમાં ટેલિકૉમ ક્ષેત્રના જંગી દેવાં અને સુપ્રીમ કોર્ટના કડક ચુકાદા છતાં મ્યુચ્યુઅલ ફંડ અને સંસ્થાકીય ક્ષેત્રે ઉપરોક્ત શૅરોમાં રોકાણ જાળવી રખાયું છે જે સકારાત્મક છે, પરંતુ આ ક્ષેત્રે વળતર-નફાનો સમયગાળો અત્યંત લાંબો હોવાથી વ્યક્તિગત રોકાણકારોનો કેટલો વિશ્વાસ આ ક્ષેત્રે ટકે છે તે જોવું રસપ્રદ બનશે. શૅરબજારમાં આગામી પખવાડિયા દરમિયાન સ્પેશિયાલિટી ક્ષેત્રના શૅરોમાં ઉપરના ભાવે હવે નફાતારવણી થઈ શકે છે, સિમેન્ટ શૅરોમાં લાંબાગાળે મજબૂતીના સંકેત સામે ટૂંકાગાળે અૉટો શૅરોથી દૂર રહેવું હિતાવહ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer