હીરા- ઝવેરાતની નિકાસમાં દલાલ પ્રથા બંધ થશે

મુંબઈ, તા. 22 : મુંબઈ, સુરત, દિલ્હી અને કલકત્તા જેવાં અનેક શહેરોમાં જ્વેલર્સ એજન્ટ વગર નિકાસ કરવાની પદ્ધતિ અપનાવશે, એમ જ્વેલ મેકર વેલફેર ઍસોસિયેશનના ઉપપ્રેસિડેન્ટ સંજય શાહે જણાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં વર્ષે લગભગ રૂા. 70,000 કરોડના હીરા- ઝવેરાતની નિકાસ થાય છે પણ થોડાક સમયથી નિકાસકારોને દલાલો સાથે મતભેદ સર્જાતાં કેટલાક દલાલોને કસ્ટમ્સ વિભાગે સસ્પેન્ડ કર્યા તે પછી નિકાસકારોએ આ માર્ગ અપનાવ્યો છે.
કસ્ટમ્સ કમિશનરે નિકાસકારોને એજન્ટની પ્રથા બંધ કરી નિકાસકારોને સલાહ આપી હતી કે તેમણે પોતાના સ્ટાફને કસ્ટમ્સની વિધિઓ વિષે તાલીમ આપવી જોઈએ. વેપારીઓ આ વિષે નિર્ણય ટૂંક સમયમાં લેશે તેવું ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય કોઠારીએ હીરા ઉદ્યોગના સાપ્તાહિક પારસમણિની 21મી વર્ષગાંઠના વિશેષ અંકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.
ભારત ડાયમંડ બુર્સના કારોબારી સભ્ય પરેશ મહેતા, ડાયમંડ કર્ટસના પ્રમુખ મહેન્દ્ર શાહ, મુકેશ શાહ અને આશિષ શાહે હીરા ઉદ્યોગ માટે રજૂઆત કરી હતી. પારસમણિના જયંતીલાલ શાહે હીરા ઉદ્યોગને બૅન્ક લોન, ડયૂટીમાં ઘટાડો, કસ્ટમની સરળતા જેવા પ્રશ્નો હલ થાય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું `મેઇક ઇન ઇન્ડિયા'નું અભિયાન સફળ થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer