એક્ઝિટ પૉલ્સ અનુસાર દિલ્હીમાં ફરી `આપ''ની સરકાર સત્તારૂઢ થશે

એક્ઝિટ પૉલ્સ અનુસાર દિલ્હીમાં ફરી `આપ''ની સરકાર સત્તારૂઢ થશે
`આપ'ને 2015ની તુલનાએ ઓછી અને વીસ બેઠકો મળવાના અંદાજ સાથે ભાજપનો દેખાવ સુધરવાનો સ્પષ્ટ અણસાર 
નવી દિલ્હી, તા. 8 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી ભારે બહુમતી સાથે આમ આદમી પાર્ટી સત્તા જાળવી રાખશે એવો વર્તારોલગભગ તમામ મીડિયાગૃહો અને એજન્સીઓના એકઝીટ પોલમાં જોવા મળે છે. અલબત્ત, ભાજપની બેઠકો વધશે પણ દિલ્હીની સત્તા કેસરિયા પક્ષની ઘણી દૂર રહેશે. જ્યારે ફરી એકવાર કોંગ્રેસનો દેખાવ કંગાળ જ રહ્યો હોવાનું દેખાય છે.
તીવ્ર પ્રચારયુદ્ધને લીધે દેશભરમાં  ચર્ચાસ્પદ બનેલી દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે આજે લગભગ 57 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયા બાદ મીડિયાએ આ મોજણીના વર્તારા જાહેર કર્યા હતા, જે મુજબ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદે હેટ્રીક કરવા જઇ રહ્યા છે. એકઝીટ પોલમાં નબળા દેખાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ રાત્રે દિલ્હીના ભાજપ સાંસદો અને ટોચના નેતાઓની બેઠક બોલાવી સમીક્ષા કરી હતી.
દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ દાવો કર્યે હતો કે, તમામ મોજણી ખોટી પડશે. ભાજપ 48 બેઠક સાથે જીતશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, અમે ભારે બહુમતીથી જીતી રહ્યા છીએ. 10 એકઝીટ પોલ્સના સરેરાશ આંકડા મુજબ આપને 52, ભાજપને 17, કોંગ્રેસને એક બેઠક મળે છે. 2015માં આપને 67, ભાજપને 3 બેઠક મળી હતી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર દિલ્હી સરકાર બનાવવા જઇ રહી છે. મોટાભાગના એકિઝટ પોલમાં આમ આદમી પાર્ટીને 55થી પણ વધારે સીટો આપવામાં આવી રહી છે. બીજી બાજુ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ભાજપના દેખાવમાં ચોક્કસપણે સુધારો થઇ રહ્યો છે, પરંતુ બહુમતીના આંકડાથી તે ખૂબજ દૂર છે. આ વખતે પણ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત સૌથી ખરાબ થનાર છે. 
ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, આપને 44થી વધુ જ્યારે ભાજપને 26 સીટો મળી શકે છે. તેના પોલ મુજબ કોંગ્રેસનું ખાતું ખોલાશે નહીં જ્યારે ઇન્ડિયા ટુડે એકિસસ માય ઇન્ડિયાના એકિઝટ પોલમાં આમ આદમી પાર્ટીને છેલ્લી ચૂંટણી કરતાં પણ વધારે સારી બેઠક મળવાના અંદાજ દર્શાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીને દિલ્હીમાં 70 પૈકી 59થી 68 સીટો મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપનો સફાયો થઇ શકે છે.
ન્યૂઝ એક્સ નેતાના એકઝીટ પોલમાં પણ આમ આદમી પાર્ટીને 70 પૈકી 55 સીટો અને ભાજપને 14 બેઠક મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.  કોંગ્રેસના ખાતામાં એક સીટ જઇ શકે છે. એબીપી ન્યૂઝ સી વોટરમાં પણ આમ આદમી પાર્ટીનો દબદબો દેખાઇ રહ્યો છે.
મનોજ તિવારીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, બધા એક્ઝીટ પોલ નિષ્ફળ જશે. આ ટવીટ સંભાળીને રાખજો. મહેરબાની કરીને ઇવીએમને દોષ આપવાનું બહાનું અત્યારથી ન શોધો. બીજી તરફ, પશ્ચિમ દિલ્હીનાં ભાજપ સાંસદ પરવેશ વર્માએ પણ અનુમાન લગાડતા કહ્યું હતું કે, ભાજપ 50 બેઠક જીતીને સરકાર બનાવી શકે છે, જ્યારે આપના ફાળે 16 અને કોંગ્રેસનાં ફાળે 4 સીટ આવી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer