શ્રીલંકાના તમિળોની આકાંક્ષા ધ્યાને લેવાશે : મોદી

શ્રીલંકાના તમિળોની આકાંક્ષા ધ્યાને લેવાશે : મોદી
રાજપક્ષે સાથે વડા પ્રધાનની મુલાકાત
નવી દિલ્હી, તા. 8 (પીટીઆઈ): ભારતે આજે આશા વ્યક્ત કરી હતી કે, શ્રીલંકાની સરકાર ટાપુ રાષ્ટ્રમાં તમિળ સમુદાયની આકાંક્ષાઓને સમજશે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના શ્રીલંકાના સમકક્ષ મહિન્દા રાજપક્ષે વચ્ચે વ્યાપક ચર્ચામાં આ મુદ્દો મુખ્યત્વે ઉદ્ભવ્યો હતો.
તેમની વાટાઘાટોમાં બંને વડા પ્રધાનોએ દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ પર વિચાર વિમર્શ કર્યો હતો અને આતંકવાદ વિરોધી સહકાર વધુ ગાઢ બનાવવા તેમજ વેપાર અને રોકાણ સંબંધોને વેગ આપવા માટે સંકલ્પ કર્યો હતો.
રાજપક્ષેની ભારત મુલાકાત મહત્ત્વની ગણાઈ રહી છે. કેમ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકેના 2005થી 2016 સુધીના તેમના કાર્યકાળમાં હિંદ મહાસાગરના ટાપુ રાષ્ટ્રમાં ચીનનાં  પગલાં વિસ્તરતાં જોવા મળતાં ભારતમાં ચિંતા વધી હતી. 
મોદીએ પોતાના મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, શ્રીલંકામાં સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ માત્ર ભારતના જ હિતમાં નહીં, પરંતુ તે સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રના હિતમાં પણ છે.
તેમણે કહ્યું કે, ભારત શ્રીલંકાના વિકાસમાં `વિશ્વાસપાત્ર ભાગીદાર' રહ્યું છે અને શાંતિ તથા વિકાસની તેની યાત્રામાં તેને મદદ કરવાનું ચાલુ રાખશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer