જીએસટીના વર્તમાન દરો અને સ્લેબમાં મોટા બદલાવના સંકેત

જીએસટીના વર્તમાન દરો અને સ્લેબમાં મોટા બદલાવના સંકેત
નવી દિલ્હી, તા. 8:  જીએસટીના વર્તમાન દરો અને સ્લેબ્સમાં મોટા બદલાવ આવી રહ્યાના સંકેત છે: સરકાર વર્તમાન 9 દરોના બદલે હવે જીએસટીના 3 જ સ્લેબ રાખવા માગતી હોવાનું સૂત્રો જણાવે છે. 8 ટકા, 18 ટકા અને 28 ટકા માટે સહમતી થવા વકી છે. જો કે આ આખી કવાયતમાં એ બાબતનો ખ્યાલ રખાશે કે ખાવાપીવાની ચીજો મોંઘી ન થાય. માસાંતે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાનાર છે. સરકાર મોટા ભાગની જણસોના દર રેવન્યુ ન્યુટ્રલથી થોડા વધુ રાખવાની તરફેણમાં હોવાનું સૂત્રો જણાવે છે. સરકાર ખાદ્ય મોંઘવારીને લઈ વિશેષ રણનીતિ અપનાવે બલકે ખાવા પીવાની અને આવશ્યક ચીજોને લઈ નવો સ્લેબ બનાવવાનું સરકાર વિચારે તેવી વકી છે.
જીએસટીના માત્ર બે જ સ્લેબ રાખવામાં એવું સૂચન નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ ગયા વર્ષે કરી ચૂકયા છે. જીએસટી સ્લેબ કે દરોમાં વારંવાર બદલાવથી તેના કારોબાર પર પ્રભાવ પડી શકે છે, સમસ્યાઓ સર્જાય છે. જરૂર પડયે જીએસટી દરોમાં વર્ષોવર્ષ બદલાવ કરી શકાય છે એમ જણાવી તેમણે ઉમેર્યુ હતું કે મોટા ભાગના દેશોમાં જીએસટી સ્થિર થવામાં સમય લાગે છે.
'17ની એક જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ તમામ આડકતરા વેરા (વેટ, સર્વિસ ટેક્ષ વ.)તેમાં સામેલ કરી દેવાયા છે. જીએસટી લાગુ થયા પછી તેના દરોમાં અનેક વાર બદલાવ કરવામાં આવી ચૂકયા છે. 
હાલ જીએસટી તળે પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા-એમ ચાર સ્લેબ છે. તે છતાં અનેક ઉત્પાદનો પર જીએસટી નથી લાગતો, સાથે પાંચ એવા ઉત્પાદનો ય છે જેના પર જીએસટી ઉપરાંત ઉપકર લાગે છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મોટા ભાગની જણસોનો રેટ 18 ટકાવાળા સ્લેબમાં જઈ શકે છે. નીચલા તમામ સ્લેબને ભેળવી માત્ર 8 ટકાનો એક સ્લેબ બનાવવા વિચારાય તેવી સંભાવના છે, જ્યારે લકઝરી અને ડિ-મેરિટ ગુડ્ઝ માટે અધિકતમ 28 ટકા બરકરાર રહેશે. જીએસટી સંબંધે, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના વડપણમાં રચાયેલી એક સમિતિએ માત્ર બે જ સ્લેબ-દસ ટકા અને વીસ ટકા- રાખવા ભલામણ કરી છે. કોઈ એક પ્રોડકટ પર જીએસટીનો દર વધારવાની વાતો ચાલી રહી હોવાની આશંકા તેમણે નકારી છે.
 મોબાઈલ ફોન, ફાર્મા, માનવ નિર્મિત દોરા/કપડા, રેડીમેડ વત્રો, ખાતર, ફેબ્રિક અને અક્ષય ઉર્જા ઉપકરણ પાંચ અને બાર ટકાના સ્લેબમાં આવે છે જેના પર ઈન્વેર્ટેડ ડયુટી સ્ટ્રકચર લાગે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer