પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના વિરોધમાં આજે મનસેનો મોરચો

પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના વિરોધમાં આજે મનસેનો મોરચો
મુંબઈ, તા. 8 : પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ઘૂષણખોરોને મુંબઈ સહિત મહારાષ્ટ્રમાંથી હકાલપટ્ટીની માગણી સાથે આવતી કાલે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ વિરાટ મોરચાનું આયોજન કર્યું છે. રવિવારે બપોરે બાર વાગ્યે ગિરગામ ચોપાટી હિંદુ જિમખાનાથી આઝાદ મેદાન સુધીના મનસેના આ મોરચાની તૈયારી યુદ્ધનાં ધોરણે ચાલી રહી છે. મોરચાને સફળ કરવા મનસે દ્વારા બેનર, પૉસ્ટર ઉપરાંત સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. 
રાજ ઠાકરેના ફોટા સાથે મહામોરચાનાં પૉસ્ટર અને વીડિયો ક્લિપમાં રાજ ઠાકરે કહી રહ્યા છે કે ભારત મારો દેશ છે, બધાં ભારતીયો મારા બાંધવો છે. મને મારા દેશ પ્રત્યે પ્રેમ છે, પરંતુ પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો મારા બાંધવો નથી, કેમ કે તેઓ ભારતીય નથી. આવા ઘૂસણખોરોને દેશમાંથી બહાર ખદેડવા જોઇએ કેમ કે ભારત કોઇ ધર્મશાળા નથી. મનસેના મોરચામાં બહોળા સંખ્યામાં હાજર રહેવાની અપીલ પણ રાજ ઠાકરેએ કરી છે.
દરમિયાન મનસેના મોરચાને ધ્યાનમાં લઇને રવિવારે દક્ષિણ મુંબઈમાં જોરદાર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. મનસેના આ મોરચામાં હજારો કાર્યકરો ઊમટશે અને રાજ ઠાકરે પણ સંબોધન કરવાના છે તેથી પોલીસ સતર્ક છે. મુંબઈ પોલીસના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે લોકલ પોલીસ ઉપરાંત એસઆરપી, રાયટ કંટ્રોલ પોલીસ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ જિસ્પોસલ સ્કવોડ તેમ જ વધારાના 600 પોલીસ કર્મચારીઓ પણ બંદોબસ્તમાં જોડાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer