ટ્રમ્પની ભારત મુલાકાતમાં તાજમહાલ

ટ્રમ્પની ભારત મુલાકાતમાં તાજમહાલ

સાબરમતી રિવરફ્રન્ટ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાતનો સમાવેશ
વોશિંગ્ટન, તા. 8: અમેરિકાની સેનેટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઠપકાની દરખાસ્ત માટેના આરોપોમાંથી મુક્ત કર્યા છે તેથી હવે તેમના જ્વલંત ભારત પ્રવાસની ભૂમિકા ઊભી થઇ છે અને તેવો 24મી ફેબ્રુઆરીએ નવીદિલ્હીમાં આગમન કરશે.
પ્રમુખ તરીકે ટ્રમ્પની આ પ્રથમ ભારતની મુલાકાતની સત્તાવાર જાહેરાત બાકી છે પણ બંને દેશના અધિકારીઓ આ મુલાકાતની યોજના ઝીણવટપૂર્વક ઘડી રહ્યા છે કે જ્યારે આ બંને દેશના વડાઓ પોતે ઘરઆંગણે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ભારતના અમેરિકા ખાતે નવા નીમાયેલા રાજદૂત તરણજીત સંધુ વ્હાઇટ હાઉસ ખાતે પ્રમુખ ટ્રમ્પને પોતાના ઓળખપત્ર રજૂ કરવા મળ્યા હતા અને તેમની સાથે તેમનાં પત્ની રીનત સંધુ જે ભારતના ઇટાલી ખાતેના રાજદૂત છે તેઓ પણ ઉપસ્થિત હતાં.
અમેરિકા ભારત સાથેના કેટલાક વેપાર કરારો તૈયાર કરી રહ્યું છે જે ભૂતકાળમાં ભારતે પોતાનાં અર્થતંત્રનાં હિતમાં નકારી કાઢયા હતા. વિદેશી મુસાફરી માટે અડચણરૂપ બનેલો કોરોના વાયરસનો પ્રશ્ન પણ ચર્ચા માગી લ્યે છે.
ટ્રમ્પના અનિશ્ચિત પ્રકારના સ્વભાવને કારણે કે જેથી ઘણી વખત તેમનો ગોઠવાયેલો કાર્યક્રમ રદ્દ કરવો પડયો છે. તેને કારણે બંને દેશના અધિકારીઓ તેમની મુલાકાતો ગોઠવવામાં વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
અત્યાર સુધી પ્રમુખ ટ્રમ્પે માત્ર જાપાનની સોલો મુલાકાત લીધી છે - બાકીના દેશોમાં તેઓ કોઇ અન્ય દેશો સાથે સંયુક્ત મુલાકાતોમાં હાજર રહ્યા છે.
પ્રમુખ ટ્રમ્પની ભારત મુલાકાત પણ સોલો - એકલ - મુલાકાત રહેશે અને વચ્ચે પાકિસ્તાની મુલાકાતના સૂચનને પણ પ્રમુખ ટ્રમ્પે જાતે નકારી કાઢયું હતું.
પ્રમુખ ટ્રમ્પની આ મુલાકાતમાં તેમનાં પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ સહભાગી હશે અને તેઓ તાજમહલ, અમદાવાદમાં મોઢેરા સ્ટેડિયમ, સાબરમતી રીવર ફ્રન્ટ અને સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લ્યે તેવું આયોજન છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer