સીએએ અને એનઆરસીના સમર્થનમાં ક્વોરી ઉદ્યોગનો સજ્જડ બંધ

સીએએ અને એનઆરસીના સમર્થનમાં ક્વોરી ઉદ્યોગનો સજ્જડ બંધ
અમારા પ્રતિનિધિ તરફથી  
વડોદરા, તા. 8 : સીએએ અને એનઆરસીના સમર્થનમાં આજથી મધ્ય ગુજરાત ક્વોરી ઍસોસિયેશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાની 150થી વધુ ક્વોરીઓ બંધ રહી હતી અને હજારો ડમ્પરોનાં પૈડાં થંભી ગયાં હતાં. 
મધ્ય ગુજરાત ક્વોરી ઍસોસિયેશન દ્વારા પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લાના તમામ ક્વોરી ઉદ્યોગ કેન્દ્ર સરકારના સીએએના કાયદાના સમર્થનમાં 8 ફેબ્રુઆરી શનિવારે સવારે 8 વાગ્યાથી 10 ફેબ્રુઆરીને સવારે 8 વાગ્યા સુધી ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે આજે ક્વોરી ઉદ્યોગ સજ્જડ બંધ રહ્યો છે. મધ્ય ગુજરાત ક્વોરી ઍસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકતા આપવાના સીએએના કાયદાને અમે હૃદયથી સમર્થન કરીએ છીએ. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારાએનપીઆર લાગુ કરવામાં આવેલ છે તેનો પણ દેશના વિકાસ માટે સમર્થન કરીએ છીએ. જેને પગલે અમે બંધ રાખીને આજે સમર્થનમાં જોડાયા છીએ અને બંધ દરમિયાન કામદારોને તેમનું પુરેપૂરું વેતન ચૂકવવામાં આવશે. ક્વોરી ઉદ્યોગ બંધ કરીને મેસેજ આપવા માગીએ છીએ કે, આ કાયદો માનવતાવાદી અને દેશની સંસ્કૃતિને આધારિત છે. માટે આ કાયદાનો વિરોધ કરવો તે ખરેખર સંવિધાનનો વિરોધ કરવા બરાબર છે. 
ક્વોરી ઉદ્યોગના બંધને પગલે ઉદલપુરથી વડોદરા અને ઉદલપુરથી આણંદ રોડ ઉપર ફરતા હજારો ડમ્પરોનાં પૈડાં થંભી ગયાં છે. આ રોડ પર વધુ પડતા ક્વોરી પ્રોડક્ટ લઇને ડમ્પરોની અવરજવર રહી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer