સીએએ બદઇરાદાભર્યો, દેશની આબરૂને બટ્ટો લાગ્યો : પી. ચિદમ્બરમ

સીએએ બદઇરાદાભર્યો, દેશની આબરૂને બટ્ટો લાગ્યો : પી. ચિદમ્બરમ
પુણે, તા. 8 : મોદી સરકારનો નાગરિકતા સુધારિત કાયદો (સીએએ) બદ ઇરાદાવાળો હોવાથી વિશ્વભરના લોકો ભારત એક લોકશાહી દેશ હોવા સંબંધે પ્રશ્નો કરી રહ્યા છે એમ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આજે પુણેમાં જણાવ્યું હતું. પૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ (એનઆરસી)ને પણ ખતરનાક અને તોફાની ગણાવ્યા હતા. 
કેન્દ્રના બજેટ તેમ જ દેશની નાગરિકતા સાથે જોડાયેલા કેન્દ્રના ત્રણેય કાયદાઓ વિષયે એક સેમિનારને સંબોધતા ચિદમ્બરમે કહ્યું હતું કે બંધારણના કાયદાઓ તેમ જ નીતિઓના આધારે અમે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ. હાલમાં આ કાયદાઓ સામેની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને અમને વિશ્વાસ છે કે દેશની જનતાના માન-સન્માનને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટ આ કાયદાઓ રદ કરવાનો આદેશ કરશે. મોદી સરકારના આવા કાયદાના કારણે વિશ્વભરમાં દેશની છાપને દાગ લાગ્યો છે. વિશ્વભરના લોકો દેશ લોકશાહી હોવા સંબંધે પ્રશ્નો કરી રહ્યા છે. મોદી સરકારના બદ ઇરાદાભર્યા સીએએના કારણે છેલ્લાં ચાલીસ વર્ષોથી મજબૂત થયેલી દેશની આબરૂને બટ્ટો લાગ્યો છે. તેથી આ કાયદો રદ થવો જ જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer