રાજ્યમાં શરાબ પીવાની કાનૂની ઉંમર ઘટાડવા સરકારની વિચારણા : આદિત્ય

રાજ્યમાં શરાબ પીવાની કાનૂની ઉંમર ઘટાડવા સરકારની વિચારણા : આદિત્ય
મુંબઈ, તા. 8 : રાજ્ય સરકારે હૉટેલ ઉદ્યોગને આશ્વાસન આપ્યું છે કે એક્સાઇઝ પરમિટ અને અન્ય પરવાનગીઓ હળવી કરવામાં આવશે.
પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ હૉટેલ ઉદ્યોગના પ્રતિનિધિમંડળ સાથેની મિટિંગમાં આશ્વાસન આપ્યું કે, હૉટેલમાં પરમિટ રૂમ અને શરાબ પીવા માટેની કાયદેસર ઉંમરના નિયમને હળવા કરવામાં આવશે. ભાજપ સરકારે `ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ'ના ભાગરૂપે નિયમો હળવા કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તે અમલમાં આવ્યા નહોતા. રેસ્ટોરાં અને હૉટેલ માલિકોનું કહેવું છે કે જટીલ નિયમોને લીધે ગ્રાહકોની માગને પહોંચી વળાતું નથી. હૉટેલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન અૉફ વેસ્ટર્ન ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ દિલીપ દતવાણીએ કહ્યું કે ગયા વર્ષે ઘણી નકામી પરવાનગીઓ નાબૂદ કરવામાં આવી હતી. જોકે, એક્સાઇઝ પરમિટ અને પાર્ટિશન સંબંધિત મુદ્દાઓનો ઉકેલ બાકી છે અમને આશા છે કે સરકાર અમારી સમસ્યા દૂર કરશે.
અગાઉ પણ ઠાકરેએ હૉટેલ, ઇવેન્ટ અને મનોરંજન ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે મિટિંગો યોજી છે ઠાકરેએ કહ્યું કે, ટૂરિઝમને વિકસાવવા માટે અમે ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસની સાથે રાજ્યને ફરી એન્ટરટેઇનમેન્ટની રાજધાની બનાવવાનું અમારું લક્ષ્ય છે. ગયા વર્ષે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરાબ પીવાની કાયદેસર ઉંમર 25થી ઘટાડીને 21 કરી હતી. તેમણે ડ્રિન્કિંગ પરમિટ નાબૂદ કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું તેમ જ અન્ય પ્રસ્તાવો સહિત કુલ 142 પરવાનગી ઘટાડીને 20 કરવાના પ્રસ્તાવને તેમણે મંજૂરી આપી હતી, પરંતુ ઍસોસિયેશનનું કહેવું છે કે આ મુદ્દે સંપૂર્ણ અમલ થયો નથી. 71 પરવાનગીઓમાંથી ઘણી નકામી હોવાનું એસેન્ચરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer