કોરોના વાઈરસ ઈફેકટ : ચીનનો દબદબો જોતાં વૈશ્વિક વ્યાપારને અસર થશે

કોરોના વાઈરસ ઈફેકટ : ચીનનો દબદબો જોતાં વૈશ્વિક વ્યાપારને અસર થશે
વૈશ્વિક જીડીપી 0.20થી 0.30 ટકા ઘટવાની એસેટ મૅનેજર્સને જણાતી સંભાવના
નવી દિલ્હી, તા.8: કોરોનાવાઈરસ વૈશ્વિક મહામારીનું રૂપ લઈ રહી છે. ચીનમાં અત્યાર સુધી તેનાથી 72પ લોકો માર્યા ગયા છે અને વૈશ્વિક સ્તરે 34 હજારથી વધુ લોકો તેનાથી સંક્રમિત છે. વુહાનની સાથે સાથે ચીનના અનેક શહેરોમાં જનજીવન ઠપ છે. આ મહામારીના કારણે ઔદ્યોગિક ગતિવિધિઓ ધીમી પડી ચૂકી છે, જેની વ્યાપાર પર ખાસી વ્યાપક અસર દેખાઈ રહી છે. વૈશ્વિક વ્યાપારમાં ચીનનું ઘણું મહત્વ છે, તે જોતાં ત્યાં સ્થિતિ બગડે તેની વૈશ્વિક અસર થવાની.એસેટ મેનેજર્સે એવી સંભાવના દર્શાવી છે કે કરોનાના કારણે વૈશ્વિક જીડીપી 0.20-0.30 ટકા સુધી ઘટી શકે છે. આ અનુમાન એવી પરિસ્થિતિ પર આધારિત છે કે જો ફેબ્રુઆરીમાં તેને અંકુશિત કરી લેવાય તો માર્ચ-એપ્રિલસુધી હાલત સામાન્ય થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયન થિન્ક ટેન્ક લોવી ઈન્સ્ટિ.ના રીસર્ચમાં જણાવાયું છે કે કોરોનાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર બહુ જલદીથી અસર દેખાશે. ખનિજ તેલ વીસ ટકા સોંઘુ થઈ ચૂકયું છે.વૈશ્વિક સ્તરે તેની કિમત ઘટીને પપ ડોલરે પહોંચી ચૂકી છે. વર્લ્ડ ટ્રેડમાં હવે ચીનનો દબદબો અમેરિકાથી વધુ થઈ ગયો છે. વિશ્વના મોટા ભાગના દેશોનો મહદંશે વ્યાપાર અમેરિકા કરતા ચીન સાથે વધુ છે. તે સ્થિતિમાં કરોનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્પૃશ્ય ન રહી શકે.
વિશ્વ વ્યાપારમાં ચીનનો દબદબો અંાકડાકીય રીતે સમજીએ તો '01માં ચીન વિશ્વ વ્યાપાર સંગઠન (ડબ્લ્યુ ટી ઓ)નું સભ્ય બન્યું હતું. તે સમયે ડબ્લ્યુ ટી ઓ ના 80 દેશોનો અધિકતમ વ્યાપાર અમેરિકા સાથે રહેતો. '18ના ડેટા મુજબ ડબ્લ્યુ ટી ઓના 30 ટકા દેશો અમેરિકા સાથે વધુ વ્યાપાર કરી રહ્યા છે, જ્યારે 66 ટકા (190 પૈકી 128 દેશો) ચીન સાથે વધુ વ્યાપાર કરી રહ્યા છે.
રેટીંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે ચીનનો વૃદ્ધિ દરનું અનુમાન પ.7 ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યુ છે. જો કે '21માં વૃદ્ધિ દર ઉછળીને 6.4 ટકા પહોંચી શકે છે.
જો કે કેટલાક જાણકારો કરોનાની આર્થિક અસરને લઈ વધુ ચિંતિત નથી. તેમનું કહેવું છે કે '03માં સાર્સ મહામારી પેઠે ફેલાઈ ગયો હતો. તે સમયે પણ રીટેલ વેચાણમાં ભારે ગિરાવટ આવી હતી પરંતુ તેની અસર ઓસરતાં વેચાણમાં ફરી તેજી આવી ગઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer