2000ની નોટ ગઈ ક્યાં?

2000ની નોટ ગઈ ક્યાં?
મુંબઈ, તા. 8 : ચલણમાંથી રૂપિયા બે હજારની ચલણી નોટો ધીરેધીરે `ગાયબ' થઈ રહી છે. એટીએમ મશીનો અને બૅન્કના કેશિયર પાસે, પણ આ ચલણી નોટ વિશેષરૂપે જોવા નહીં મળતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. રૂા. બે હજારની સાથે રૂા. વીસની ચલણી નોટો પણ અદૃશ્ય બની રહી છે. આ નોટો ગઈ ક્યાં? એવો પ્રશ્ન પુછાઈ રહ્યો છે.
જોકે, એસબીઆઈના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે રોજિંદા વ્યવહારમાં રૂા. બે હજારની નોટોની સંખ્યામાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે, આવી જ સ્થિતિ અન્ય બૅન્કોમાં પણ છે.
જોકે, જાહેર ક્ષેત્રની છ બૅન્કો અને ખાનગી ક્ષેત્રની બે બૅન્કોએ, પણ આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે આ બાબત અમુક બૅન્કો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં `સમસ્યા' છે.
દિલ્હીમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે રોકડ વ્યવહારમાં અને એટીએમમાંથી રૂા. 2000ની ચલણી નોટની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તે સાથે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ બેંગલોર જેવા મોટા શહેરોમાં, પણ રૂા. બે હજારની કરન્સી નોટના ધાંધિયા જોવા મળ્યા છે.
ગુજરાત, બિહાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો કે જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો દેખાવ સારો છે, ત્યાં રૂા. 2000ની નોટ ચલણમાંથી ઘટી રહી છે.
આ ઘટાડા પાછળના મુખ્ય કારણો તપાસવામાં આવે તો પહેલું કારણ એ છે કે મોટાભાગના એટીએમમાં સુરક્ષાહેતુ માત્ર રૂા. 500, 200 અને 100ની ચલણી નોટો રાખવામાં આવે છે.
બીજું કારણ એ છે કે સામાન્ય નાગરિકોને એ વાતનો ભય સતાવી રહ્યો છે કે નોટબંધી પછી રજૂ થયેલી નવી રૂા. 2000ની નોટ પણ સરકાર રદ જાહેર કરશે કારણ કે આરબીઆઈએ પણ રૂા. 2000ની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કર્યું છે.
રૂા. બે હજારની ચલણી નોટોનો મોટાપાયે સંગ્રહ થતો હોવાથી તેને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો મત અમુક વરિષ્ઠ અધિકારીઓ ધરાવે છે. જોકે, મધ્યમ અને નોકરિયાત વર્ગ રૂા. 2000ની ચલણી નોટ પોતાની પાસે રાખવાનું પસંદ પણ નથી કરતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer