ફેસબુકનું ટ્વીટર એકાઉન્ટ થયું હતું હેક

ફેસબુકનું ટ્વીટર એકાઉન્ટ થયું હતું હેક
માઈક્રો બ્લોગિંગ પ્લૅટફૉર્મ ટ્વીટરે કરી પુષ્ટિ : ફેસબુક મેસેન્જરનું સત્તાવાર હેન્ડરલ પણ હેક થતા લોક કરવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 8 : હેકિંગની ઘટનાઓમાં આજકાલ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. યુઝર્સ બાદ હવે મોટી ટેક કંપનીઓને પણ પોતાના એકાઉન્ટ હેક થતા બચાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ ઘટના દુનિયાના સૌથી મોટા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે બની છે. માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે પુષ્ટિ આપી છે કે ફેસબુક અને ફેસબૂક મેસેન્જર્સના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ હેક થયા હતા. થર્ડ પાર્ટી પ્લેટફોર્મે એકાઉન્ટ હેક કર્યા હતા.
ટ્વીટરના એક પ્રવક્તાએ ઈમેલ મારફતે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પ્લેટફોર્મના ટ્વીટર એકાઉન્ટને થર્ડ પાર્ટી પ્લેટફોર્મ મારફતે હેક કરવામાં આવ્યા હતા. હેકિંગની જાણકારી મળતાની સાથે જ અસરગ્રસ્ત એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યા હતા. આ મામલે ફેસબૂક વર્તમાન પાર્ટનર્સના સંપર્કમાં છે અને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હેકિંગ પાછળ અવર માઈન ગ્રુપનો હાથ હોવાનું કહેવામાં આવે છે. આ ગ્રુપ સાઉદ અરબના સાઈબર ક્રિમિનલનું છે. જેઓ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માર્ક ઝુકસબર્ગના એકાઉન્ટ પણ હેક કરી 
ચુક્યા છે.
બીજી તરફ ફેસબુકે પણ શુક્રવારે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, તેના અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા પણ બાદમાં તેને સિક્યોર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં ટ્વીટરના ચીફ એગ્ઝિક્યૂટિવ જેક ડોર્સીનું એકાઉન્ટ પણ હેક થયું હતું. ત્યારબાદ ડોર્સીના એકાઉન્ટમાંથી ટ્વીટ પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જે ડોર્સીના 40 લાખ ફોલોવર્સ સુધી પહોંચી રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer