બીજી વન-ડેમાં પણ કિવિઝ સામે હાર સાથે ભારતે શ્રેણી ગુમાવી

બીજી વન-ડેમાં પણ કિવિઝ સામે હાર સાથે ભારતે શ્રેણી ગુમાવી
ઓકલેન્ડ, તા. 8 : ટી-20 શ્રેણીમાં ક્લીનસ્વીપથી આસમાનમાં મહાલતી ટીમ ઈન્ડિયા જમીન પર પછડાઈ છે. આજે અહીં બીજી વન-ડેમાં પણ મધ્યહરોળના બેટધરોના ધબડકાને પગલે વિરાટસેનાની બાવીસ રને હાર થઈ હતી અને ન્યૂઝીલેન્ડે વન-ડે સિરીઝ 2-0થી કબ્જે કરી લીધી હતી. કિવી ટીમે ગુપ્ટિલના 79, રોસ ટેલરના અણનમ 73 રનના સહારે આઠ વિકેટે 273 રનનો લડાયક સ્કોર બનાવ્યા બાદ વિરાટ કોહલી, લોકેશ રાહુલ સહિતના બેટધરોની નિષ્ફળતા ભારતને ભારે પડી હતી અને ટીમ 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેયસ અય્યર(52 રન), રવીન્દ્ર જાડેજા (55 રન) અને નવદીપ સૈની (45 રન)ના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. કિવીઝનો 6 ફૂટ અને 8 ઈંચ લંબાઈ ધરાવતો કાયલ જેમિસન  42 રનમાં બે વિકેટ અને 24 દડામાં 25 રન કરીને પોતાની પહેલી જ વન-ડેમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. 
ઓકલેન્ડમાં ઠંડા દિવસે ગુપ્ટિલ અને નિકોલસે કિવીને 93 રનની સારી શરૂઆત અપાવ્યા બાદ ચહલ (પ8 રનમાં 3 વિકેટ)ના નેતૃત્ત્વ હેઠળ ભારતીય બોલરોએ વાપસી કરી હતી. લાથમ, ગ્રાન્ડહોમ અને નિસામ નિષ્ફળ રહ્યા હતા, પણ ટેલરે એક છેડો સાચવી રાખ્યો હતો. છેલ્લે જેમિસને પણ ફટકાબાજી કરતાં ન્યૂઝીલેન્ડ 273 કરી શક્યું હતું. બુમરાહ વિકેટવિહોણો રહ્યો હતો.
ભારતની શરૂઆત નબળી રહી હતી. અગ્રવાલ 3 રને આઉટ થયો હતો. કોહલી અને રાહુલ જામ્યા નહોતા. જાધવ પણ નિષ્ફળ રહ્યો હતો. જાડેજા અને અય્યર મોટો સ્કોર કરી શક્યા નહોતા. જેમિસન, સાઉથીએ બબ્બે વિકેટ ઝડપી હતી.
દરમિયાન ન્યુઝીલેન્ડના ઓપાનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે આજે ઓકલેન્ડમાં વનડે શ્રેણીની બીજી મેચમાં ખાસ સિદ્ધિ મેળવી હતી. તે વનડે ક્રિકેટમાં સ્થાનિક મેદાન પર સૌથી ઝડપથી ચાર હજાર રન પૂર્ણ કરનાર ખેલાડી બની ગયો હતો. ગુપ્ટિલે આ મેચમાં 79 રનની ઇનિંગ્સ રમી હતી. 92મી વનડે મેચ રમતા ગુપ્ટિલે ચાર હજાર રનની સિદ્ધિ પણ મેળવી લીધી હતી. બીજી બાજુ ભારતના મહાન ખેલાડી સચિન તેન્ડુલકરે એટલી જ ઇનિંગ્સમાં ભારતમાં 4000 રન પૂર્ણ કર્યા હતા. ગુપ્ટિલે આજે ભારતની સામે ઓકલેન્ડ મેચમાં 79 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 79 રન કર્યા હતા. આ યાદીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ સ્થાન પર છે. તે 79 વનડે ઇનિંગ્સમાં  સ્થાનિક મેદાનમાં 4000 રન પૂર્ણ કરી ચુક્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer