U19 વિશ્વકપ : ભારત અને બંગ્લાદેશ વચ્ચે આજે ફાઈનલ

U19 વિશ્વકપ : ભારત અને બંગ્લાદેશ વચ્ચે આજે ફાઈનલ
રેકોર્ડ પાંચમી વખત ચૅમ્પિયન બનવાના પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ
નવી દિલ્હી, તા. 8 : ભારત અને બંગલાદેશ વચ્ચે આઈસીસી અંડર 19 વિશ્વકપનો ફાઈનલ મુકાબલો રવિવારે થવાનો છે. એશિયાની જ બન્ને ટીમ વચ્ચે થનારા મુકાબલામાં રોમાંચ જોવા મળશે. એશિયાની બન્ને ટીમે અગાઉ દુનિયાની સારામાં સારી ટીમોને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતે પાકિસ્તાનને સેમીફાઈનલમાં હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તો બંગલાદેશે ન્યૂઝિલેન્ડને પછાડીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. હવે બન્ને ટીમ વચ્ચે વિશ્વ ચેમ્પિયન બનવા માટે અંતિમ મુકાબલો રમાશે. જેમાં ભારત રેકોર્ડ પાંચમી વખત વિશ્વ ચેમ્પિયન બનવાના પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. 
ભારત સતત બીજી વખત વિશ્વકપ ટ્રોફી ઉઠાવવા માટે બેતાબ છે. બીજી તરફ બંગલાદેશની ટીમ પહેલી વખત વિશ્વ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. અંડર 19 વિશ્વ મુકાબલામાં ભારત અને બંગલાદેશ વચ્ચે પાંચમો મુકાબલો થશે. જેને જીતવા માટે બન્ને ટીમ તમામ શક્તિ ખર્ચશે. ભારત અને બંગલાદેશ વચ્ચે કુલ ચાર ટક્કર થઈ છે. જેમાં ભારતનું પલડું હંમેશા ભારે રહ્યું છે. ભારતીય ટીમે ચારમાંથી ત્રણ મુકાબલામાં જીત મેળવી છે. જ્યારે એક મેચમાં બંગલાદેશની ટીમ વિજયી બની છે. 
પાંચમી વખતના મુકાબલામાં બંગલાદેશની ટીમને નબળી ગણવાની ભુલ થઈ શકે તેમ નથી. ન્યૂઝિલેન્ડની ટીમને હરાવીને બંગલાદેશ ફાઈનલમાં પહોંચ્યું છે. જો કે ભારતીય ટીમ રવિવારે રેકોર્ડ પાંચમી વખત ચેમ્પિયન બનવાના પ્રબળ દાવેદાર તરીકે જ મેદાનમાં ઉતરશે અને આ માટે પુરતી તૈયારી પણ કરવામાં આવી છે. સેમીફાઈનલમાં ચીર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 10 વિકેટે હરાવનારી ભારતીય ટીમ 2000 બાદ સાતમો ફાઈનલ રમશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer