ઈન્કમ ટૅક્સ રિટર્ન ભરનારામાં 64.09 ટકાનો વધારો

કર ભરપાઈ કરનારામાં 40.41 ટકાનો વધારો
સરકારે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડયો પણ વસૂલાતનો ટારગેટ વધારાયો એટલે આઈ.ટી.ની રેવન્યૂ ઘટી
નવી દિલ્હી, તા. 8 : વર્ષ 2013-14થી લઈ 2017-2018 વર્ષ સુધીનું ઈન્કમટેક્સ માળખું જોઈએ તો દેશમાં રિટર્ન ભરનારાઓમાં, ટેક્સ ભરનારાઓમાં નેંધપાત્ર વધારો થયો છે અને તેનો સીધો ફાયદો ઈન્કમટેક્સ વિભાગને થયો છે પણ કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડયો તેની સામે આયકર વિભાગના ટારગેટમાં પણ 20 ટકાનો વધારો કરી દીધો એટલે ઈન્કમટેક્સ વિભાગને જે રેવન્યૂ મળવી જોઈએ તે મળી નહીં અને ટેક્સ પેયર વધ્યા છતાં જોઈએ એવો ફાયદો ઈન્કમટેક્સ વિભાગને થયો નથી.
કંપટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (સી.એન્ડ.એજી) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશન (સીબીડીટી) હેઠળની ઓફિસ ઓફ પ્રિન્સીપાલ ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2013-14, વર્ષ 2014-1પ, વર્ષ 201પ-16, વર્ષ 2016-17 અને વર્ષ 2017-18ના આંકડાઓ આપવામાં આવ્યા છે. અહીં 2013-14 અને વર્ષ 2017-18 એમ સીધા પાંચ વર્ષની સરખામણીએ આંકડા જાણીએ.
જે લોકોએ આઈ.ટી. રિટર્ન ફાઈલ કર્યા છે તેમની સંખ્યા વર્ષ 2013-14માં 3 કરોડ 31 લાખ 47 હજાર 372 છે જ્યારે વર્ષ 2017-18માં રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યા પાંચ કરોડ 43 લાખ 91 હજાર 232 થઈ છે. એનો અર્થ એ કે પાંચ વર્ષમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યામાં 64.09 ટકાનો વધારો થયો છે. રિવાઇઝડ રિટર્ન ભરનારાની સંખ્યામાં પણ જબરો વધારો થયો છે. રિવાઇઝડ રિટર્ન એટલે ભરેલા રિટર્નમાં સુધારા-વધારા કરવા, અથવા નવેસરથી રિટર્ન ફાઈલ કરવું. રિવાઈઝડ રિટર્ન ભરનારાની સંખ્યા 2013-14માં 3 કરોડ 79 લાખ 76 હજાર પપ4 હતી જે પાંચ વર્ષ પછી વધીને 6 કરોડ 8પ લાખ 32 હજાર પ10 થઈ છે. એનો મતલબ એ કે રિવાઇઝડ રિટર્ન ભરનારાઓમાં 80.46 ટકાનો વધારો થયો છે.
ભારતમાં ટેક્સ ભરનારાની સંખ્યા પણ નેંધપાત્ર રીતે વધી છે. 2013-14માં પાંચ કરોડ, 27 લાખ 93 હજાર પ42 લોકો ટેક્સ પેયર નોંધાયા હતા જ્યારે પાંચ વર્ષ પછી તેમાં વધારો થયો છે અને વર્ષ 2017-18માં 7 કરોડ 41 લાખ 27 હજાર 2પ0 ટેક્સ પેયર થયા છે. આ ગાળો જોઈએ તો ટેક્સ ભરનારાઓમાં 40.41 ટકા લોકોનો વધારો થયો છે. જો કે, આ સંખ્યા નોટબંધી પછી વધી છે. ઈન્કમટેક્સ વિભાગને ડાયરેક્ટ ટેક્સની સીધી આવક થાય. એમાં પણ પ9.98 ટકાનો વધારો થયો છે. 2013-14માં ડાયરેક્ટ ટેક્સની આવક 7 હજાર કરોડ જેટલી હતી, જે પાંચ વર્ષમાં વધીને 11 હજાર કરોડ થઈ છે. એવી રીતે ઈન્ડાયરેક્ટ ટેક્સ એટલે કે પરોક્ષ કર (જીએસટી)માં પણ 84.77 ટકા જેટલો ખાસ્સો વધારો થયો છે. ઈન્ડાયરેક્ટ ટેક્સની આવક 4 હજાર કરોડ હતી જે પાંચ વર્ષમાં વધીને 9 હજાર કરોડ થઈ છે. એમાં જીએસટીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. પાંચ વર્ષનો ડાયરેક્ટ ટેક્સનો જીડીપી રેશિયો જોઈએ તો 0.36 ટકા વધ્યો છે. 2013-14માં પ.62 ટકા અને વર્ષ 2017-18માં પ.98 ટકા રેશિયો થયો છે.
હવે સવાલ એ થાય કે, આ રીતે આંકડા સામે આવ્યા છે તો ઈન્કમટેક્સ વિભાગની રેવન્યૂ શા માટે ઘટી છે ? એનો જવાબ એ છે કે, સરકારે કોર્પોરેટ ટેક્સમાં ધરખમ ઘટાડો કર્યો છે અને તેની સામે ટારગેટ વધારી દીધા છે. બીજું, બે વર્ષ પહેલાં જ્યારે જીએસટી લાગૂ પડયો ત્યારે જીએસટીનો લાભ ઈન્કટેક્સ વિભાગને મળ્યો હતો પણ પછી જીએસટી રેગ્યુલરાઈઝડ થઈ ગયો એટલે તેનો લાભ ઈન્કમટેક્સને ન મળે. આવા કારણોથી ઈન્કમટેક્સ વિભાગની રેવન્યૂનું પલડું નીચું જ રહે છે.
ઈન્કમટૅક્સ વિભાગને પણ નડી ગઈ મંદી !
આ વખતે મારકેટમાં ભયંકર મંદીનો માહોલ છે અને નાનાં, મધ્યમ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. મોટા ઉદ્યોગો પણ નિકાસના કારણે ઠીકઠીક ચાલી રહ્યા છે. આ બધું જોતાં આ વખતે ઈન્કમટેક્સ વિભાગને ટારગેટ વસુલાતમાં મુશ્કેલી પડી રહી છે. આયકર વિભાગ સર્ચ અને સર્વે કરે છે પણ જોઈએ એવો દલ્લો હાથ નથી આવતો. આયકર વિભાગના જ એક અધિકારી કહે છે, મારકેટમાં મંદીના કારણે ટર્નઓવર પણ ઓછું ચાલી રહ્યું છે અને તેના કારણે ટેક્સ કલેક્શનમાં તકલીફ પડી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer