રામ મંદિર ટ્રસ્ટમાં બ્રાહ્મણો જ કેમ ?

ઉદિત રાજના ટ્વીટથી કૉંગ્રેસમાં ઘમસાણ
નવી દિલ્હી, તા. 8 : પૂર્વ સાંસદ અને કોંગ્રેસ સાંસદ ઉદિત રાજે કરેલા એક ટ્વીટ ઉપર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીએ ઉદિત રાજને દલીલમાં ઉતરવાનો પડકાર ફેંક્યો હતો તો પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે પણ ઉદિત રાજને આડે હાથ લીધા હતા. ઉદિત રાજે રામ મંદિર ટ્રસ્ટ અને દલિતોને લઈને ટ્વીટ કરી  બ્રાહ્મણ સમૂદાય ઉપર નિશાન તાક્યું હતું.
દલિત નેતા ઉદિત રાજે ગુરૂવારે પોતાના સત્તાવાર ટ્વીટર ઉપર ટ્વીટ કર્યું હતું કે ભારતમાં થયેલી અંતિમ જનગણના મુજબ દલિતોની આબાદી બ્રાહ્મણોથી ત્રણ ગણી છે. તેમ છતા સરકારી રામ મંદિર ટ્રસ્ટ માત્ર બ્રાહ્મણોના ભરોસે કેમ છોડવામાં આવ્યું. સરકાર બેઈમાની કરે છે. આ નિવેદન ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીએ જાહેર ચર્ચાનો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે બ્રાહ્મણ હોવું એ કોઈ પાપ નથી. જ્યારે જિતિન પ્રસાદે ઉદિત રાજને કોંગ્રેસની પરંપરા સમજાવતા કહ્યું હતું કે કોઈપણ વિષય હોય કોંગ્રેસની પરંપરા કોઈપણ જાતિ કે સમૂદાય ઉપર પ્રહાર કરવાની નથી. કોંગ્રેસની નીતિ અનુસૂચિત જાતિઓના પક્ષમાં વિશેષ સકારાત્મક જોગવાઈ સાથે તમામ માટે સમાન અવસરની પણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer