અમદાવાદમાં હાલની સ્થિતિમાં કલમ 144 ખૂબ જ જરૂરી

સરકારનું હાઈ કોર્ટમાં સોગંદનામું 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 :અમદાવાદ શહેરમાં ચાર થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવતી સીઆરપીસીની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મુદ્દે રાજ્યસરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યુ છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂધ અને અરાજકતાની  સ્થિતિ પેદા થઇ શકે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે 144મી કલમ સતત લાગુ કરી રાખવી અનિવાર્ય છે તેમજ રાજ્યસરકારે 2002ના રમખાણો, પાટીદાર અનામત આંદોલન, એનારસી અને સીએએના વિરોધમાં નિકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે. 
આ અગાઉ આઇઆઇએમ-એના ફેકલ્ટી મેમ્બરે અને અન્ય ચાર લોકોએ પોલીસ કમિશ્નરના કલમ 144ને પડકારતી જાહેર હીતની અરજી કરી હતી. જે અંગે હાઇકોર્ટે સુનાવણી કરતા સરકારને જવાબ રજુ કરવા માટે જણાવ્યુ ંહતું. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 2016થી અત્યાર સુધી 144મી કલમ સતત લાગુ કરવામાં આવી છે. જે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની ચાડી ખાય છે. ઉપરાંત આ કલમ 144નો દુરૂપયોગ પણ છે. આ કલમથી સતત સંદેશ જાય છે કે, શહેરમાં સતત ભયનું વાતાવરણ રહે તેવો મેસેજ જાય છે. જો કે સરકાર દ્વારા આ અંગે હાલની સ્થિતિ અનુરૂપ કલમ 144 હોવાની રજુઆત કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તે જરૂરી હોવાની વાત કરી હતી. સોગંદનામામાં સરકારે આ કલમનો ક્યારેય દુરૂપયોગ નહીં થયાનું પણ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer