રાજ્યમાં જાતીય સતામણીના કેસ માટે ખાસ 138 ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે

મુંબઈ, તા. 8 : નેશનલ મિશન ફોર સૅફ્ટી વીમેન અંતર્ગત રાજ્ય સરકાર કેન્દ્રીય ગૃહમંત્રાલયના સહયોગમાં 138 ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરશે. જેમાં મહિલાઓની જાતીય સતામણી અંગેના કેસની સુનાવણી નિશ્ચિત સમયમાં પૂરી કરાશે. એકવાર કોર્ટ કાર્યરત થશે કે મહિલાઓ પરના અત્યાચારના 29 હજાર કેસોના નિકાલ ચોક્કસ મર્યાદામાં આવી શકશે.
વરિષ્ઠ સનદી અધિકારીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દેશભરમાં 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવામાં આવશે જેમાંથી 138 કોર્ટ મહારાષ્ટ્રમાં સ્થપાશે. ઉપરાંત પ્રોટેક્શન અૉફ ચિલ્ડ્રન ફ્રોમ સૅક્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ પણ રાજ્યના દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટ શરૂ કરાશે એમ તેમણે જણાવ્યું હતું.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓ સામે બળાત્કાર, સામૂહિક બળાત્કાર જેવા ધૃણાસ્પદ ગુનાઓનું પ્રમાણ વધ્યું હોવાથી નિશ્ચિત સમયમાં સુનાવણી પૂરી કરતી ફાસ્ટ ટ્રેક કોર્ટ અનિવાર્ય છે.
મહિલાઓની સુરક્ષા વધારવાના ઉદ્દેશથી ગૃહમંત્રાલયે 2018માં અમલમાં મુકાયેલા ક્રિમિનલ લો (સુધારિત) ઍક્ટમાં કડક જોગવાઈ કરવાની સાથે આવા કેસની સુનાવણી ઝડપથી પૂરી કરાશે, મહિલાઓ અને બાળકો સામેના જાતીય સતામણીના ગુનાઓ સંબંધિત કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ શરૂ કરવાનું ગૃહમંત્રાલયે નક્કી કર્યું છે. આ અંગેનો 60 ટકા ખર્ચ ગૃહમંત્રાલય કરશે જ્યારે બાકીનો 40 ટકા ખર્ચ રાજ્ય સરકારે કરવાનો રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નેશનલ મિશન સ્કીમ રાજ્ય સરકારને મોકલવામાં આવી છે એને મંજૂરી મળ્યા બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટની શરૂઆત કરાશે. મહિલાઓ અને બાળકો સુરક્ષિત વાતાવરણમાં રહી શકે એ માટે કેસની ઝડપી સુનાવણી થવાની સાથે એનો ચુકાદો પણ વહેલી તકે આવે એ માટે ગૃહમંત્રાલય હાઈ કોર્ટના માર્ગદર્શન હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. અત્યાર સુધીમાં ડઝન કરતાં વધુ રાજ્યોમાં પોક્સો ઍક્ટ હેઠળ નોંધાયેલા ગુના માટેની ખાસ અદાલતો સ્થાપવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer