હવે મુંબઈમાં કચરો ઉપાડવા ઉપર પણ ટૅક્સ!

મુંબઈ, તા. 8 : અર્થતંત્ર મંદ પડતા રિયલ એસ્ટેટની આવક ઘટતાં મુંબઈ મહાનગરપાલિકા આવકના નવા ત્રોત તપાસી રહી છે, જેમાં કચરાનો ઉપાડ અને બર્થ સર્ટિફિકેટ જેવી અતિરિક્ત સેવાઓ ઉપર ટૅક્સ લાદવાનો સમાવેશ છે. પાલિકાનો અંદાજ છે કે 31 માર્ચે પૂરા થતા વર્ષમાં મહેસૂલી આવક પાંચ ટકા વધીને રૂા. 238.5 અબજ થશે.
મુંબઈનું બજેટ અમુક રાજ્યોના બજેટની સરખામણીએ મોટું છે. પહેલી એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષ માટે મુંબઈ પાલિકાની યોજના ખર્ચમાં 9 ટકાનો વધારો કરવાની છે. ચોમાસામાં શહેરમાં પાણી ભરાઈ જતાં તેના નિકાલ માટેનું વ્યવસ્થાપન અને વિવાદિત કોસ્ટલ રોડ બનાવવા ખર્ચ કરાશે.
આ વર્ષે લક્ષ્યાંક કરતાં 12 ટકા પાછળ હોવાથી એ વાત સ્પષ્ટ નથી કે અપાર્ટમેન્ટ્સ અને અૉફિસનું વેચાણ કરીને ટૅક્સ કલેકશનનો ટાર્ગેટ કેવી રીતે પૂરો કરશે. કૅર રેટિંગ્સના ઈકોનોમિસ્ટ મદન સબનવિસે કહ્યું કે, મહેસૂલી આવક ઘટતા પાલિકા નવા ત્રોત તપાસી રહી છે. પ્રોપર્ટી ટૅક્સ અને વોટર ટૅક્સના ડિફોલ્ટરને નોટિસ ફટકારીને, પાણીના કનેકશન કાપીને તેમ જ તેમની મિલકતોને ટાંચ મારી તેનું અૉકશન કરીને નાણાં મેળવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer