પંજાબમાં ધાર્મિક જુલૂસમાં ફટાકડા વિસ્ફોટ : 14નાં મૃત્યુ

ઘાયલ થયેલ 20થી વધુ લોકો પૈકી અનેકની હાલત ગંભીર 
ચંદીગઢ, તા. 8: પંજાબના તરનતારન જિલ્લામાં આજે ધાર્મિક જુલૂસ દરમિયાન ફટાકડા વિસ્ફોટમાં 14થી વધુ લોકોના મોત થઇ ગયાં હતાં જ્યારે આ બનાવમાં 20થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. બચાવ અને રાહત કામગીરી યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી હતી. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. 
પંજાબ પોલીસે આ ઘટનાને સમર્થન આપ્યું છે. પોલીસે કહ્યું છે કે, ધાર્મિક જુલૂસ દરમિયાન આ ફટાકડા એક ટ્રેક્ટર ટ્રોલી પર લઇ જવામાં આવી રહ્યા હતા. પંજાબના આઈજીપી (બોર્ડર) એસપીએસ પરમારે કહ્યું હતું કે, ધડાકામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. મળેલી માહિતી મુજબ મૃતકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.
પરમારે એમ પણ કહ્યું છે કે, ધાર્મિક જુલૂસ દરમિયાન લોકો ફટાકડા ફોડી રહ્યા હતા જેના પરિણામ સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં ફટાકડાનો જથ્થો પણ મોટા પ્રમાણમાં હતો. 
પરમારે ઉમેર્યું હતું કે, ફટાકડામાં આગના લીધે વિસ્ફોટની શરૂઆત થઈ હતી. વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે ટ્રોલીને ભારે નુકસાન થયું હતું. આસપાસ રહેલા લોકો પણ સકંજામાં આવી ગયા હતા. આગની ઘટના વચ્ચે ભારે અફરાતફરી મચી ગઈ હતી.  અફરાતફરીના માહોલ વચ્ચે લોકો મુશ્કેલીમાં દેખાયા હતા. અંધાધૂંધી વચ્ચે પણ પોલીસે ઉલ્લેખનીય કામગીરી મારફતે લોકોને ખસેડયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer