મુંબઈ બાગની મહિલા પ્રદર્શનકારીઓની સમિતિ રચાશે

મુંબઈ, તા. 8 : મુંબઈ બાગના દેખાવકારોએ સત્તાવાળાઓ સામે પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે મહિલાઓની સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે. રાજકીય પક્ષો દેખાવો સામે વિવાદ જગાવી રહ્યાં હોવાને પગલે આ નિર્ણય લેવાયો છે. 
નાગરિકતા સુધારા કાયદો (સીએએ), નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ (એનઆરસી) અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) સામે 26 જાન્યુઆરીની રાતથી વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને મહિલાઓ રિલે ધારણે તેને આગળ વધારી રહી છે. 
રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખની દેખાવોમાં સંકળાયેલા રાજકારણીઓ સાથેની મંગળવારે યોજાયેલી મિટિંગમાં નેતાઓએ કહ્યું હતું કે તેઓ વિરોધ પ્રદર્શન પાછું ખેંચશે, પણ મહિલા પ્રદર્શનકારીઓએ વિરોધ પાછો ખેંચવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું કે આ વિરોધ મહિલાઓએ પોતાની મેળે શરૂ કર્યો છે કોઈ રાજકીય માર્ગદર્શન હેઠળ નહીં.
શુક્રવારે મોડી રાત્રે નાગપાડા પોલીસ સ્ટેશને 26 જાન્યુઆરીથી દેખાવો કરી રહેલી મહિલાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. 
મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી પ્રણય અશોકે કહ્યું કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અલ્કા સસાણેએ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કરેલી ફરિયાદને આધારે એફઆઈઆર નોંધાઈ છે. 
અશોકે કહ્યું કે, ``ઇન્ડિયન પિનલ કોડ અને બીએમસી ઍક્ટ હેઠળ અમે મોરલૅન્ડ રોડના સિમેન્ટીકરણને અટકાવવા બદલ 200-300 દેખાવકારોને પકડયા છે.''
અગાઉ મુંબઈ બાગની મૅનેજિંગ કમિટીના સભ્ય ફિરોઝ મિઠીબોરેવાલાએ શુક્રવારે કહ્યું હતું કે મુખ્ય મહિલા પ્રતિનિધિઓની સમિતિ રચાશે. ``પહેલા દિવસે ઘણા રાજકીય નેતાઓ અમારી સાથે જોડાયા હતા અને પૂછયું કે વિરોધ વિશેની જાણકારી કેમ નહોતી અપાઈ. ત્યાર પછી સ્થાનિક રાજકીય નેતાઓની સમિતિ રચાઈ, પણ તેમાં કોઈ મહિલાનો સમાવેશ નહોતો. હવે અમે શાહીન બાગ પ્રમાણે સમિતિ રચવા વિશે કામ કરી રહ્યાં છીએ અને તે એકાદ બે દિવસમાં નક્કી થઈ જશે.''
દેખાવકારોમાંની એક મહિલા નાદિયા બાટલીવાલાએ કહ્યું કે, ``લોકસભા અને વિધાનસભામાં સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ ખરડો પસાર નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખશું. અમારી લડત રાજ્ય સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર સામે છે. અમને લેખિતમાં બાંયધારી જોઈએ છે.''

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer