એપ્રિલ-જાન્યુ.ના ગાળામાં LICનું શૅરોમાં રોકાણ 21ટકા ઘટયું

મુંબઈ, તા. 8 : નાણાકીય વર્ષ 2020ના પ્રથમ 10 માસમાં જીવન વીમા નિગમ (એલઆઈસી)એ શૅરોમાં રૂા. 46,850.33 કરોડનું રોકાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાના આ પ્રકારના રોકાણ કરતા 20.75 ટકા ઓછું ગણાય. રાજ્યની માલિકીની વીમા કંપનીએ નાણાકીય વર્ષ 2019ના એપ્રિલ-જાન્યુઆરીના ગાળામાં રૂા. 59,115.67 કરોડનું રોકાણ કર્યું હતું.
એલઆઈસીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020ના પ્રથમ દસ માસમાં શૅરોમાં રોકાણ થકી નફો 42.36 ટકા વધીને રૂા. 23,273.85 કરોડ થયો હતો, જે વર્ષ પૂર્વે રૂા. 16,348.81 કરોડનું નોંધાયું હતું. સૂચિત ગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈએલ)એ શૅરબજારમાં રૂા. 56,827.37 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્ષ 5.3 ટકા વધ્યો હતો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 10 માસમાં રૂા. 86,605.12 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે સેન્સેક્ષ 10 ટકા વધ્યો હતો.
એલઆઈસીએ પ્રથમ 10 માસના ગાળામાં નવા બિઝનેસના પ્રીમિયમ રૂા. 1.5 ટ્રિલિયનનો આંક કૂદાવ્યો હતો. વર્ષાંત્તરની દૃષ્ટિએ તેની પૉલિસીની વેચાણની સંખ્યા 29.42 ટકા વધીને 19,585,635 નોંધાઈ હતી. રાજ્યની વીમા કંપનીએ નાણાકીય વર્ષ 2019માં અત્યાર સુધી 14,293,289 પૉલિસીધારકોને પાકતા વીમાના દાવા પેટે રૂા. 69,748 કરોડ ચૂકવ્યા હતા અને મૃત્યુના દાવા પેટે રૂા. 9866 કરોડનું સેટલમેન્ટ કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer