સોનાના ભાવ વધતાં જાન્યુઆરીમાં આયાત અડધી થઈ ગઈ

નવી દિલ્હી/ મુંબઈ, તા.8 : આર્થિક મંદી અને સોનાના ઊંચા ભાવને કારણે જાન્યુઆરી મહિનામાં સોનાની આયાત ઘટીને લગભગ અડધી થઈ ગઈ હતી.
જાણકાર સૂત્રોના કહેવા મુજબ જાન્યુઆરી મહિનામાં સોનાની આયાત 36.26 ટન હતી, જે ગયા વર્ષના 69.51 ટનના અડધાથી યે ઓછી છે. મૂલ્યની દૃષ્ટિએ જાન્યુઆરીમાં સોનાની આયાત 2.31 ડૉલરથી ઘટીને 1.58 અબજ ડૉલર થઈ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું હતું કે 2019માં ભારતની સોનાની આયાતમાં 14 ટકાનો ઘટાડો થયો હતો.
આ વર્ષના પૂર્વાર્ધમાં ભારતની સોનાની આયાત નિસ્તેજ રહેવાની ધારણા છે, કારણ કે સોનાના ભાવ ઊંચા છે અને રોકાણકારો અન્ય વિકલ્પોની તલાશમાં છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે.
ઊંચા ભાવની સાથોસાથ અર્થતંત્રમાં મંદી છે અને આર્થિક વિકાસદર એક દાયકામાં સૌથી નીચો રહેવાનો સત્તાવાર અંદાજ છે. જો આર્થિક પરિસ્થિતિ સુધરે અને લોકો ઊંચા ભાવથી ટેવાવા લાગે તો જૂન પછી સોનાની માગ સુધરી શકે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ભારત શાખાના પ્રમુખ સોમસુંદરમ પીઆરનું કહેવું છે.
`અત્યારે તો માગ સાવ ઠંડી, રોગિયલ છે,' એમ હૈદરાબાદના એક ઝવેરી અને અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના સભ્ય અવિનાશ ગુપ્તાએ કહ્યું છે. `ઓછામાં ઓછા બે મહિના સુધી સોનાની માગ અને આયાત નબળી રહેશે એવું અમને લાગે છે. આર્થિક હાલત સુધરે અને વપરાશ વધે નહીં ત્યાં સુધી ઝવેરાતનું વેચાણ વધે તેવી આશા નથી.'
ગુપ્તાના મતે એપ્રિલમાં અક્ષતતૃતીયાના તહેવાર નિમિત્તે સોનાની માગમાં સુધારો થવાની ધારણા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ અનુસાર ભારતની સોનાની આયાત 2019માં ઘટીને 690 ટન થયા પછી આ વર્ષે જરાક સુધરીને 700થી 800 ટન થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer