હવે તુરતમાં પાન કાર્ડ મળી શકશે

નવી દિલ્હી, તા. 8 : સરકાર આ મહિનાથી આધાર કાર્ડની વિગત પૂરી પાડવા પર અૉનલાઈન પાનકાર્ડ જારી કરશે, એમ મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું. બજેટ 2020-'21માં આ સિસ્ટમ લોન્ચ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેના લીધે આધારના આધારે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) તાત્કાલિક આપવામાં આવશે. તેના માટે અરજીપત્ર ભરવાની જરૂર નહીં રહે. આના કારણે પાનકાર્ડ જારી કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
આ સિસ્ટમ તૈયાર છે અને આ મહિનાથી તેનો પ્રારંભ કરી શકાશે. પાંડેએ સિસ્ટમ કેવી રીતે કામ કરશે તે સમજાવતાં જણાવ્યું હતું કે વ્યક્તિ આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈને આધાર નંબર દાખલ કરી શકશે. તેના પગલે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર `વન ટાઈમ પાસવર્ડ' મોકલવામાં આવશે. આ ઓટીપીનો ઉપયોગ થકી આધાર વેરીફાઈડ કરવામાં આવશે. આ પાનની ફાળવણી તાત્કાલિક કરવામાં આવશે અને વ્યક્તિ ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આના લીધે કરદાતાને અટક્યા વગર અરજી ફોર્મ ભરવામાં સફળતા રહેશે અને તે કર વિભાગને સુપરત કરી શકશે. તેના લીધે ટૅક્સ ઍડ્મિનિસ્ટ્રેશન માટે કરદાતા રહેણાક પર પણ પાન કાર્ડ મોકલવાનું સરળ બનશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer