બેસ્ટની 80 ટકા બસો પાંચ કિમી સુધીના જ રૂટ પર દોડશે

મુંબઈ, તા. 8 : બેસ્ટના જનરલ મૅનેજર સુરેન્દ્રકુમાર બાગડેએ કહ્યું હતું કે, બેસ્ટની 80 ટકા બસો ટૂંકા અંતર એટલે કે પાંચ કિમી સુધીના રૂટ પર જ દોડશે. તેમ જ અઠવાડિયાની અંદર શહેરના રસ્તાઓ પર 10 નવી મિનિ એસી બસો દોડતી દેખાશે. પૉઈન્ટ-ટુ-પૉઈન્ટ રૂટ પર કન્ડક્ટર વગર દોડતી બસોની સંખ્યા 500 સુધી પહોંચી છે. 
ઔદ્યોગિક કોર્ટે કન્ડક્ટર વગરની બસ, વૅટ-લીઝ અને બેસ્ટની માલિકીની બસોને પરવાનગી આપી હતી અને બાગડેએ કોર્ટના આદેશને આવકાર્યો હતો. નોન-એસી અને કન્ડક્ટર વગરની બસમાં અધિકારીઓએ આગળનો દરવાજો બંધ કરવા માટે લાકડી અને દોરડાનો ઉપયોગ કર્યો હોવાનું કહેતાં બાગડેએ સ્પષ્ટતા કરી હતી કે, તે ફક્ત કામચલાઉ હતું. હવે તો બસ જેવી ચાલુ થાય દરવાજા લોક થઈ જાય છે અને ફક્ત ઈમર્જન્સીમાં જ તે ખૂલશે. બેસ્ટના વર્કર યુનિયને ઔદ્યોગિક કોર્ટના આદેશને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. યુનિયનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, જો જરૂર પડશે તો અમે રસ્તા પર આંદોલનો પણ કરશું. કન્ડક્ટર વગરની બસોને લીધે કન્ડક્ટરોની નોકરી જોખમમાં મુકાઈ છે. 
આંકડાઓ મુજબ, બેસ્ટ પાસે 212 કન્ડક્ટર વગરની નોન-એસી બસ અને 288 વેટ-લીઝ એસી તેમ જ નોન-એસી બસો છે. ટૂંકા અંતરમાં 38 એસી અને 44 નોન-એસી બસો દોડી રહી છે. શુક્રવારે બે નવા એસી રૂટ શરૂ કરાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer