ગુજરાતમાં કોરોના વાઇરસના 9 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ

અમદાવાદ, તા.8: ચીનના કોરોના વાઇરસને કારણે એનઆઇવી પૂના ખાતેથી અમદાવાદ સિવીલ, સ્મીમેર સુરત અને હિંમતનગર સિવીલમાં દાખલ 3 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે. આમ ગુજરાતમાંથી કોરોના વાયરસ માટે મોકલવામાં આવેલા તમામ 9 સેમ્પલોમાંથી તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
દરમિયાન આજથી રાજ્યની  બીજેમેડીકલ અમદાવાદ ખાતે કોરોના વાઇરસના લેબેરેટરી પરીક્ષણની સુવિઘા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી હવે કોરોના વાયરસ માટે લેબોરેટરી તપાસ અર્થે સેમ્પલ પૂના કે મુંબઇ મોકલવા પડશે નહી. 
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાતભરના 16 દર્દીઓના સેમ્પલ લેબ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આજ સુધી રાજ્યમાં 1044 મુસાફરો ચીનથી અત્રે રાજ્યમાં આવેલ છે. જે પૈકી 411 પ્રવાસીઓએ 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરીયડ પૂરો કર્યો છે. તેમજ આ તમામ મુસાફરોની તબિયત સારી છે. આ મુસાફરોનું જિલ્લાના તથા કોર્પોરેશનના સર્વેલન્સ અધિકારીઓ દ્વારા દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવે છે. 
વધુમાં રાજ્યની તમામ મેડીકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલોમાં કોરોના વાઇરસ માટે તમામ સુવિધાઓથી સજ્જ અલાયદો આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer