નિર્ભયાની માતાનો ઇન્દિરા જયસિંહ સામે આક્રોશ

નિર્ભયાની માતાનો ઇન્દિરા જયસિંહ સામે આક્રોશ
નરાધમોને માફી માટે મને સૂચવનાર એ કોણ ? : સોનિયા જેવું અમારું `મોટું દિલ' નથી
નવી દિલ્હી, તા.18 : નિર્ભયા ગેંગરેપના દોષિતોને માફી આપવાનું સુચન કરીને વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ ઘેરાયા છે. નિર્ભયાના માતાની ગુસ્સાભરી પ્રતિક્રિયા બાદ હવે તેમના પિતાએ પણ પ્રહારો કરતાં કહ્યું હતું કે, સોનિયા ગાંધી જેટલું `મોટું દિલ' તેમના પરિવારનું નથી. જયસિંહે નિર્ભયાના દોષિતોને સોનિયા ગાંધીની જેમ `મોટું દિલ' રાખી માફ કરવાનું સૂચન કર્યું હતું.
પિતાએ કહ્યું, તે (ઈન્દિરા જયસિંહ) પોતે પણ એક મહિલા છે. તેમને આવાં નિવેદનો પર શરમ આવવી જોઈએ અને નિર્ભયાની માતાની માફી માગવી જોઈએ.
નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે ઈન્દિરા જયસિંહ મને આવી સલાહ કેમ આપી શકે? આખો દેશ દોષિતો માટે ફાંસી ઈચ્છે છે. આવા લોકોને કારણે જ દુષ્કર્મ પીડિતાઓ સાથે ન્યાય થઈ રહ્યો નથી. તેમણે કહ્યું કે હું તેઓને કદી પણ માફી આપવાની નથી. ભગવાન પણ મને આવીને કહે તો પણ હું માફી દઈશ નહીં.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે સોનિયા ગાંધીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જે રીતે તેમણે પતિ રાજીવ ગાંધીના હત્યારાને માફ કર્યા હતા તે જ રીતે નિર્ભયાની માતાએ પણ ઉદાર ભાવના દર્શાવવી જોઈએ.
આ નિવેદનથી ભડકી ઉઠેલા નિર્ભયાના માતાએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ થતો નથી કે આખરે ઈન્દિરા જયસિંહ મને આવું સૂચન કરવાની હિંમત કેમ કરી શકે છે. વીતેલા વર્ષો દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં તેમની સાથે અનેક વખત મુલાકાત થઈ હતી. તેમણે એક વખત પણ મારા હાલચાલ પૂછ્યા ન હતા અને આજે તેઓ દોષિતો માટે બોલી રહ્યાં છે. આશા દેવીએ કહ્યું કે આવા લોકો દુષ્કર્મીઓનું સમર્થન કરીને પોતાની આજીવિકા કમાતા હોય છે. આ જ કારણે દુષ્કર્મની ઘટનાઓ બંધ થતી નથી.
ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2012ના સામૂહિક દુષ્કર્મ બાદ નિર્ભયાની જઘન્ય હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે ચાર દોષિતોને ફાંસીની સજા ફરમાવી છે. તેઓને હવે પહેલી ફેબ્રુઆરીએ ફાંસી આપવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જારી કર્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer