અમદાવાદમાં યોજાશે હાઉડી ટ્રમ્પ ?

અમદાવાદમાં યોજાશે હાઉડી ટ્રમ્પ ?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં આવે ત્યારે હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાય તેવી શક્યતા  
અમદાવાદ, તા.18: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જો કે તેઓ ક્યારે આવશે તેની તારીખોની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. અમેરિકામાં યોજાઈ રહેલા રાષ્ટ્રપ્રમુખ પદ માટેની ચૂંટણીના એક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત દરમિયાન અમદાવાદની પણ મુલાકાત લેશે. હ્યુસ્ટનમાં સપ્ટેમ્બરમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમની પેટર્ન પર અમદાવાદમાં આવો જ કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ હાજરી આપી શકે છે. હાઉડી મોદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય અને અમેરિકન સમુદાયના લોકો સામેલ થયા હતા
આ કાર્યક્રમ વચ્ચે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે એટલું જ નહીં આ વિષયના એજન્ડા પર આયોજન શરૂ કરી દેવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં ફેબ્રુઆરીમાં આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. એક અનુમાન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસ માટે ભારત આવી શકે છે. આ દરમિયાન તેઓ નવી દિલ્હી ઉપરાંત કોઇ એક શહેરની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શહેર અમદાવાદ છે અને આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. ગુજરાતી મૂળના અમેરિકામાં રહેતા નાગરિકો પણ હાઉડી ટ્રમ્પ શોમાં સામેલ થાય તેવી શક્યતા છે. અમેરિકામાં આગામી વર્ષે ચૂંટણી થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ આ મુદ્દે કામ કરી રહી છે. અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને બ્રિટનમાં ભારતીય પ્રયાસો એક મોટી વોટ બેંક ગણાય છે. એક શક્યતા એવી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી એક વેપાર સંધી પર હસ્તાક્ષર કરી શકે છે. જે અમેરિકાની કંપનીઓને ભારતીય બજાર સુધી પહોંચવા સુધીનો રસ્તો સરળ બનાવી શકે છે. એક લાંબા સમયગાળા પછી વ્યાપાર સમજૂતી પર ચર્ચા કરી શકે છે. જેમાં એક મુક્ત વેપાર સમજૂતીને સમાવેશ થઇ શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer