સાધ્વી પ્રજ્ઞા સિંહને ઝેરી રસાયણવાળું એન્વલપ મોકલનાર ડૉક્ટરની અટક

સાધ્વી પ્રજ્ઞા સિંહને ઝેરી રસાયણવાળું એન્વલપ મોકલનાર ડૉક્ટરની અટક
અમારા પ્રતિનિધિ તરફથી
ઔરંગાબાદ, તા. 18 : ભાજપના વિવાદાસ્પદ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને શંકાસ્પદ એન્વલપ મોકલવાના આરોપસર મધ્યપ્રદેશના એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડે નાંદેડ જિલ્લામાંથી એક ડૉક્ટરની અટક કરી છે. આ એન્વલપમાં ઝેરી રસાયણ હોવાનું કહેવાય છે. પોલીસને પ્રજ્ઞા સિંહ ઠાકુરના ઘરમાંથી ત્રણથી ચાર એન્વલપ મળ્યાં હતાં અને એના પર ઉર્દુમાં લખાણ હતું. જે ડૉક્ટરની અટક કરાઈ છે તેનું નામ ડૉ. સૈયદ અબ્દુલ રહેમાન ખાન (35) છે અને તેનું દવાખાનું નાંદેડ જિલ્લામાં ધનેગાંવ ખાતે છે. ગુરુવારે સાંજે તેમની અટક કરાઈ હતી. આ ડૉક્ટર પર પોલીસની છેલ્લી ત્રણ મહિનાથી નજર હતી. કારણ કે તેઓ છેલ્લા થોડા વખતથી સરકારી અધિકારીઓને એવા પત્ર લખ્યા હતા કે મારી માતા અને મારા ભાઇના આતંકવાદીઓ સાથે સંબંધ છે અને તેમની ધરપકડ થવી જોઇએ. આવા પત્રો લખવા બદલ ભૂતકાળમાં તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે.
પોલીસ આ ડૉક્ટરના મોબાઇલ ફોન પર પણ નજર રાખતી હતી. ઘણીવાર એ મોબાઇલ ફોનને ઘરે મૂકી ઔરંગાબાદ, નાગપુર અને અન્ય શહેરોમાં જતા અને ત્યાંથી ટપાલ પોસ્ટ કરતા.
આ ડૉક્ટરનો તેના ભાઈ સાથે પણ ઝઘડો ચાલે છે અને ભૂતકાળમાં તેના પર હુમલો કરવા બદલ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer