ડોમ્બિવલી પાસે વધુ એક યુવક ચાલુ ટ્રેનમાંથી નીચે પડયો

ડોમ્બિવલી પાસે વધુ એક યુવક ચાલુ ટ્રેનમાંથી નીચે પડયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ડોમ્બિવલી લોકલમાંથી શનિવારે સવારે એક યુવક પડી જતા તે ગંભીર રીતે જખમી થયો હતો. આ ઘટના સવારે પોણા દસ વાગ્યે બની હતી અને એમાં વિશાલ પાંડુરંગ ગુરવ નામના યુવકને ઈજા થઈ હતી.
31 વર્ષનો વિશાલ સવારે 9.40ની આસપાસ ચાલતી લોકલમાંથી પડયો હતો. એ 47/25 નંબરના થાંભલા પાસે નીચે પટકાયો હતો. તેને ગંભીર અવસ્થામાં શાત્રીનગર હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના પરિવારજનો પણ હૉસ્પિટલમાં તત્કાળ દોડી આવ્યા હતા. ગયા મહિને ડોમ્બિવલીના નવનીતનગરમાં રહેતી 22 વર્ષની કચ્છી તરુણી ચાર્મી પાસડનું પણ ચાલુ લોકલમાંથી પડી જવાને કારણે અવસાન થયું હતું. આ ઘટના 16 ડિસેમ્બરના બની હતી.
ટ્રેનમાંથી વારંવાર પ્રવાસીઓની પડવાની ઘટનાને લીધે ડોમ્બિવલીથી વધુ ટ્રેનો ઉપાડવાની માગણી થઈ રહી છે. આ ઉપરાંત લેડિસ સ્પેશિયલ દોડવવાની પણ માગણી થઈ છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલ પણ ડોમ્બિવલીવાસીના પ્રવાસીઓની સમસ્યાથી અજાણ નથી. સવારે પીક અવર્સમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી લોકલ ડોમ્બિવલી આવે ત્યારે ખીચોખીચ ભરેલી હોય છે. ડોમ્બિવલીકરોને લટકીને પ્રવાસ કરવો પડે છે અને અવારનવાર લટકતા પ્રવાસી ચાલુ ટ્રેને નીચે પડે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer