શબાના આઝમીને એક્સિડન્ટમાં થઈ ગંભીર ઈજા

શબાના આઝમીને એક્સિડન્ટમાં થઈ ગંભીર ઈજા
જાવેદ અખ્તર બચી ગયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર શનિવારે થયેલા ભીષણ અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ અકસ્માત ખાલાપુર ટોલનાકા પાસે બન્યો હતો. શબાના આઝમીને પહેલાં નવી મુંબઈમાં કલંબોલીની એમજીએમ હૉસ્પિટલમાં ભરતી કરાયાં હતાં અને મોડેથી મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલાં શિફ્ટ કરાયાં હતાં. 
અકસ્માતમાં તેમનો ડ્રાઈવર પણ જખમી થયો હતો. જ્યારે શબાનાના પતિ ગીતકાર જાવેદ અખતરને કોઈ ઈજા થઈ નહોતી. અકસ્માત બપોરે 3.30 વાગ્યાની આસપાસ થયો હતો. શબાનાને મણકા ઉપરાંત નાક અને ચહેરાના અન્ય ભાગમાં પણ ઈજા થઈ છે. જાવેદ અખ્તરના જન્મદિન સંબંધેનાં એક કાર્યક્રમમાં ભાગ લેવા બન્ને પુણે જઈ રહ્યાં હોવાનું કહેવાય છે.
અકસ્માતના સમાચાર મળતા જ બૉલીવૂડની હસ્તીઓએ ટ્વીટર પર શબાનાના હેમકુશળતાની પ્રાર્થના કરી હતી.
પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે, શબાના અને જાવેદ અખ્તર તાતા સફારી કારમાં હતા અને કારના ડ્રાઈવરે અન્ય એક વાહનને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો એમાં કારે ટ્રકને ટક્કર મારી હતી.
શબાના આઝમીના પ્રવક્તાએ કહ્યંy હતું કે, શબાનાની તબિયત એકદમ સારી છે. અત્યારે ચેક-અપ ચાલી રહ્યું છે.
ગોડમઘર, અર્થ, અંકુર, પાર, અને માસૂમ જેવી સુપરહિટ હટકે ફિલ્મોના અભિનય માટે જાણીતાં છે. અકસ્માત પુણે તરફ જતી લેન પર થયો હતો. શબાનાની કારે એક ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતનો વીડિયો અને ફોટોગ્રાફસ તરત જ વોટ્સઍપ પર વાઈરલ થયાં હતાં. 
શુક્રવારે જાવેદ અખ્તરનો 75મો જન્મદિન હતો. શબાના આઝમીને મણકામાં માર વાગ્યો હોવાનું કહેવાય છે.
મોતનો માર્ગ વર્ષ 2019માં મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર થયેલા અકસ્માતમાં 91 લોકો માર્યા ગયા છે અને 175 લોકો ઘાયલ થયા છે. 2018ની તુલનામાં 2019માં ઓછા અકસ્માત થયા છે. 2018માં 359 અકસ્માત થયા હતા જ્યારે 2019માં 352 એક્સિડન્ટ નોંધાયા છે. 2018માં 114 લોકો માર્યા ગયા હતા. જ્યારે 174 લોકો ઘાયલ થયા હતા.  એક્સ્પ્રેસવે પર વાહનોની બેફામ સ્પીડ અકસ્માતનું મુખ્ય કારણ હોય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer